Latest News
Image default
રાજ્ય

માતા-પિતાની કસ્ટડી સોંપવા ગયેલી વાડજ પોલીસ પર પરિવારનો હુમલો

અમદાવાદ 

શહેરની વાડજ પોલીસ પર એક પરિવારે કથિત રીતે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે વાડજ પોલીસ વૃદ્ધ માતા-પિતાની કસ્ટડી તેના નાના ભાઈને સોંપવા માટે ઘરે પહોંચી હતી. આ દરમિયાન પરિવારના ચાર સભ્યોએ પોલીસ પર કથિત રીતે હુમલો કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટની ડિવીઝન બેન્ચે 86 વર્ષીય મનહરભાઈ ગાંધી અને પુષ્પાબેન ગાંધીની કસ્ટડી તેમના નાના પુત્ર જયેશ ગાંધીને તાત્કાલિક ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે ઘરે પહોંચેલી પોલીસ સાથે આ ઘટના બની હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પુષ્પાબેન ગાંધી ડિવીઝન બેન્ચ સમક્ષ હાજર થયા હતા. તેમના મોટા પુત્ર હિતેષ ગાંધીએ કેવી રીતે તેમની અને તેમના પતિ સાથે ખરાબ વર્તન કર્યું એની રજૂઆત કરી હતી. હાઈકોર્ટના નિર્દેશ પર વાડજ પોલીસ સ્ટેશનના સબ ઈન્સપેક્ટર એન.એન.ચૌધરીએ પુષ્પાબેનને ન્યાયાધીશો સમક્ષ લાવ્યા હતા. એ પછી કોર્ટના આદેશ બાદ હિતેષ ગાંધી તરત જ બહાર નીકળી ગયો હતો અને પત્ની સાથે આવેશમાં આવીને બોલવા લાગ્યો હતો, એવું સબ ઈન્સપેક્ટર એન.એન.ચૌધરીએ દાખલ કરેલી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સબ ઈન્સપેક્ટર એન.એન.ચૌધરીના જણાવ્યા મુજબ, હિતેષ ગાંધીનું આવું વર્તન જોયા બાદ તેઓએ વાડજ પોલીસ સ્ટેશનના અન્ય અધિકારીઓ અને જીગ્નેશ મલ્હોત્રા નામના પીએસઆઈને ફોન કર્યો હતો. એ પછી બંને પોલીસ કર્મચારીઓ ઝવેરીપાર્ક સોસાયટીમાં આવેલા હિતેષ ગાંધીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમના પિતા મનહરભાઈ હાજર હતા અને તેઓને કેન્સર હોવાથી પથારીવશ હતા. જ્યારે પોલીસ જયેશ અને મેડિકલ ટીમ સાથે હિતેષના ઘરે તેમના માતા-પિતાની કસ્ટડી સોંપવા માટે પહોંચી ત્યારે ભારે નાટક સર્જાયું હતું. તેની પત્ની અર્પિતા અને તેના બે બાળકોએ પોલીસને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, એવું એફઆઈઆરમાં જણાવાયું છે.
પોલીસ જ્યારે તેમની ફરજ બજાવી રહી હતી ત્યારે હિતેષ અને તેના પરિવારના સભ્યોએ કથિત રીતે પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો અને ધક્કો માર્યો હતો. એટલું જ નહીં આરોપીઓએ પોલીસને ગંભીર પરિણામ ભોગવાની ધમકી પણ આપી હતી. બાદમાં પોલીસે તેમને દબોચી લીધા હતા અને વાનમાં બેસાડીને વાડજ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. હિતેષ, અર્પિતા અને તેમના બંને બાળકો પર સરકારી કર્મચારીઓને નુકસાન પહોંચાડવા, ગુનાહિત ધાકધમકી આપવી અને ઉશ્કેરણી કરવા બદલ પોલીસે ગુનો નોંધ્યો હતો. બાદમાં પોલીસે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને જામીન આપવામાં આવ્યા હતા.

સંબંધિત પોસ્ટ્સ

12મી મેએ ગુજરાત બોર્ડ ધોરણ-12 સાયન્સનું પરિણામ, ગુજસેટનું પિરણામ પણ જાહેર થશે

Samachar Viswa

પોલીસ જાપ્તામાંથી ભાગી જવાના કેસમાં ધારાસભ્ય કાંધલ જાડેજાને દોઢ વર્ષની સજા

Samachar Viswa

અમદાવાદમાં સોશિયલ મીડિયા પર યુવતીને પ્રેમ જાળમાં ફસાવી બ્લેકમેઈલ કરી દુષ્કર્મ

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો