Latest News
Image default
રાષ્ટ્રીય

મુંબઈમાં નવ વર્ષ પહેલાં ગુમ બાળકીનું માતા-પિતા સાથે મિલન

મુંબઈ

લગભગ નવ વર્ષ પછી મુંબઈ પોલીસે એક બાળકીનો તેની માતા અને ભાઈ-બહેનો સાથે ભેટો કરાવ્યો હતો. ગુરુવારના રોજ આ બાળકી પોતાના પરિવારને મળી હતી, જેઓ જુહુ વિસ્તારમાં રહે છે. ઉલ્લેખનીય છે કે જ્યારે બાળકીનું અપહરણ કરવામાં આવ્યુ હતું ત્યારે તેની ઉંમર સાત વર્ષ હતી. 22મી જાન્યુઆરી, 2013ના રોજ આ ઘટના બની હતી. પોલીસે આ કેસમાં એક ઈલેક્ટ્રિશિયન હેરી ડિસૂઝા અને તેની પત્ની સોનીની ધરપકડ કરી છે. બાળકીનું નામ પૂજા ગોડ છે અને અત્યારે તેની ઉંમર 16 વર્ષ છે.
ડીએન નગર પોલીસ સ્ટેશનના રેકોર્ડ અનુસાર, ગુમ થયેલી તરુણીઓની યાદીમાં પૂજાનો 166મો નંબર હતા. મે 2015માં જ્યારે મિસિંગ બ્યૂરોના ઓફિસર ઈન-ચાર્જ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર ભોંસલે નિવૃત્ત થયા ત્યારે માત્ર પૂજાનો જ કેસ એવો હતો જે સોલ્વ નહોતો થયો. આ દરમિયાન પૂજાના પિતા અને દાદા-દાદીનું ગયા વર્ષે નિધન થઈ ગયું.

આરોપી દંપતી નિસંતાન હોવાને કારણે તેમણે બાળકીનું અપહરણ કર્યુ હતું. સ્થાનિકો દ્વારા આપવામાં આવેલી એક ટિપની મદદથી પોલીસ તેને બચાવી શકી હતી. દંપતીને પછીથી પોતાનું સંતાન થતાં તેમણે પૂજા પાસેથી ઘરનું કામ કરાવવાની શરુઆત કરી હતી. આટલુ જ નહીં, તે પૂજાને બીજા ઘરોમાં પણ કામ કરવા મોકલતા હતા. ઉલ્લેખનીય છે કે પૂજા અંધેરી વિસ્તારમાં સરકારી શાળાએ જઈ રહી હતી ત્યારે રસ્તામાં તેને ઉઠાવી લેવામાં આવી હતી.
ઈન-ચાર્જ ઓફિસર નિવૃત્ત થઈ ગયા પછી પણ તેમને પૂજાનો આ કેસ હંમેશા મૂંઝવતો હતો. તેઓ હંમેશા પૂજાનો ફોટો પોતાની પાસે રાખતા હતા. જ્યારે પણ પોતાના ગામથી મુંબઈ આવતા ત્યારે પૂજાને શોધવાનો પ્રયત્ન ચોક્કસપણે કરતા. 66 વર્ષીય રાજેન્દ્ર ભોંસલે જણાવે છે કે, મેં ક્યારેય આશા નહોતી ગુમાવી. મને વિશ્વાસ હતો કે પૂજા જીવિત છે. ગઈકાલે મારા પ્રયત્નો અને પ્રાર્થનાનું પરિણામ મળ્યું. આજ સુધી પૂજાની તસવીર મારા પોકેટમાં હતી.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2008થી 2015 દરમિયાન રાજેન્દ્ર ભોંસલેએ 166 ગુમ થયેલી છોકરીઓને શોધી હતી. પરંતુ પૂજા ગોડનો કેસ પોલીસ સોલ્વ નહોતી કરી શકી. તેમણે પૂજાને શોધવા માટે હજારો ઘરોની તલાશી લીધી હતી અને અનેક સૂત્રો પાસેથી જાણકારી મેળવી હતી.ચાર દિવસ પહેલા જ પોતાના ગામ જતા પહેલા નિવૃત્ત અધિકારીએ માહિમ દરગાહ પર પ્રાર્થના કરી હતી અને પૂજાના માતાને મળ્યા હતા.
નોંધનીય છે કે પૂજાના ભાઈ રોહિતે તેને છેલ્લી વાર જોઈ હતી. રોહિત જણાવે છે કે, મને તે શાળાના ગણવેશમાં યાદ છે. કામા રોડ પર આવેલી સરકારી શાળામાં અમે બન્ને જતા હતા. દાદાએ અમને વાપરવા માટે 10 રુપિયા આપ્યા હતા અને તે પોતાના ભાગના પાંચ રુપિયા માંગતી હતી. અમે દરરોજ ગિલ્બર્ટ હિલ ખાતે આવેલા દાદા-દાદીના ઘરે સવારે જતા હતા અને ત્યાંથી ચાલીને સ્કૂલ જતા હતા. તે દિવસ પૂજા જીદ કરી રહી હતી. મેં તેને કહ્યં કે રિસેસ સમયે હું તેને પૈસા આપીશ પણ તે માનવા તૈયાર જ નહોતી. અમે આમ પણ 15 મિનિટ મોડા હતા. શાળાનો દરવાજો 10 પગલા જ દૂર હતો, મેં તેને કહ્યું કે મારી સાથે અંદર આવ અને હું અંદર ભાગી ગયો, પણ તે આવી જ નહોતી.
ડીએન નગર પોલીસ સ્ટેશનના સીનિયર ઈન્સપેક્ટર મિલિંદ જણાવે છે કે, હેરી ડીસૂઝા અને તેની પત્ની સોનીએ પૂજાને શાળા પાસેથી ઉઠાવી હતી. આઈસક્રીમની લાલચ આપીને તેઓ પૂજાને પોતાની સાથે લઈ ગયા હતા. તે સમયે તેઓ નિસંતાન હોવાને કારણે પૂજાને સાથે લઈ ગયા હતા. તેમણે પૂજાનું નામ બદલીને એની રાખી દીધુ હતું. ત્રણ વર્ષ પછી જ્યારે દંપતીના ઘરે પારણું બંધાયુ તો તેમણે પૂજા સાથે દુર્વ્યવહાર શરુ કરી દીધો. તેઓ પૂજાને બીજા લોકાના ઘરે પણ કામ પર મોકલતા હતા. પૂજાને પણ સમજ પડવા લાગી કે આ લોકો તેના માતા-પિતા નથી.
આખરે જ્યારે તે વિસ્તારમાં રહેતા અમુક લોકોને દંપતી પર શંકા થઈ તો તેમણે પોલીસને જાણકારી આપી. પૂજાની માતા પૂનમ મગફળી વેચીને ગુજરાન ચલાવે છે. તેના બે ભાઈઓ સહિત સમગ્ર પરિવારે પૂજા પાછી આવશે તેની આશા જ છોડી દીધી હતી. તેમના માટે આ ખુશી અવર્ણનીય હતી. પરંતુ પૂજાના વિરહમાં તેના દાદા-દાદીનું નિધન થઈ ગયું અને તેના પિતા પણ ડિપ્રેશનનો શિકાર બન્યા હતા. મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફંસલકરે ડીએન નગર પોલીસ ટીમના વખાણ કર્યા છે. તેમણે જજણાવ્યું કે, આ એક હૃદયસ્પર્શી વાર્તા છે.

સંબંધિત પોસ્ટ્સ

આંદોલનકારીઓએ 702 મૃતક ખેડૂતોની યાદી સરકારને મોકલી આપી

Samachar Viswa

આદિત્ય ઠાકરેને ધમકી આપનારા સુશાંતના ફેનની ધરપકડ

Samachar Viswa

મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ કાંડમાં એનઆઈની નજર પંજાબ પર

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો