ઈસ્લામાબાદ
અફઘાનિસ્તાનમાં અમેરિકી ડ્રોન હુમલામાં અલ-કાયદા ચીફ અલ જવાહિરીની હત્યા બાદ પાકિસ્તાન ડરી ગયું છે. ઈસ્લામાબાદને ડર છે કે, તેમના દેશમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી શકે છે. એક્સપર્ટસનું કહેવું છે કે, સ્થાનિક સરકાર આંતરરાષ્ટ્રીય કાયદાની મદદથી દેશની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને ટકાવવામાં વ્યસ્ત છે. તેમને આશંકા છે કે, ભારત આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા સર્જિકલ કે હવાઈ હુમલાના પ્રયાસો પણ કરી શકે છે.
ગત સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને એ વાતનો ખુલાસો કર્યો હતો કે, અમેરિકી ડ્રોન હુમલામાં અલ જવાહિરીને ઠાર કરવામાં આવ્યો છે. અલ જવાહિરી દુનિયાના સૌથી વોન્ટેડ આતંકવાદીઓમાંથી એક હતો. તે 11 સપ્ટેમ્બર 2001ના હુમલાનો પણ માસ્ટરમાઈન્ડ હતો. તે ગત શનિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અમેરિકી દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અસીમ ઈફ્તિખારને અલ-કાયદાના ચીફ વિશે પૂછપરછ કરવામાં આવી હતી. જવાહિરીને બહાર કાઢવા માટે પાકિસ્તાની એરસ્પેસ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓની પણ મદદ લેવામાં આવી હતી કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેણે તેનો ઈન્કાર કર્યો હતો. આસિમ ઈફ્તિખારે કહ્યું કે, આ કાર્યવાહીના કોઈ પુરાવા નથી કે, પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત એક બીજો સવાલ પૂછવામાં આવ્યો હતો કે, પાકિસ્તાન આવા આતંકવાદ વિરોધી અભિયાનોનું સમર્થન કરે છે? પ્રવક્તાએ ભાર મૂકતા કહ્યું કે, પાકિસ્તાન આતંરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્રના પ્રાસંગિક પ્રસ્તાવો પ્રમાણે આતંકવાદનો મુકાબલો કરવા માટે ઉભું છે. તેમણે પાકિસ્તાનના વલણને સ્પષ્ટ કરતા કહ્યું કે, આ પ્રસ્તાવો હેઠળ વિભિન્ન આતંરરાષ્ટ્રીય દાયિત્વ છે. અલ-કાયદાના સંદર્ભમાં મને લાગે છે કે, તે સ્પષ્ટ છે કે, તે એક આતંકવાદી સંસ્થા છે જે યુએન સુરક્ષા પરિષદની લિસ્ટમાં પણ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ રાજ્યો દ્વારા નિર્ધારિત કાર્યવાહી કરવા માટે બાધ્ય છે.
પ્રવક્તાએ આગળ કહ્યું કે, જેમ કે, તમે જાણો છો કે, પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધ ભૂતકાળમાં સખ્ત કાર્યવાહી કરી છે. આતંકવાદ સાથે લડવામાં આતંરરાષ્ટ્રીય સમુદાયના પ્રયત્નોનું સમર્થન કર્યું છે. તમે એ પણ જાણો છો કે, અલ-કાયદા વિરુદ્ધ કેટલીક સફળતા પાકિસ્તાનની ભૂમિકા અને યોગદાનના કારણે જ શક્ય બની છે.