Latest News
Image default
Latest News

નીતિશ કુમાર આઠમી વખત બિહારના મુખ્યપ્રધાન, તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ

પટણા

બિહારમાં ગઈકાલે ભજવાયેલા રાજકીય નાટક બાદ નીતિશ કુમારે રાજીનામું આપ્યાના 12 કલાકથી પણ ઓછા સમયમાં આરજેડીના ટેકાથી ફરી સરકાર બનાવી લીધી છે. આજે રાજ્યપાલ ભવનમાં યોજાયેલા શપથગ્રહણ સમારંભમાં તેમણે આઠમીવાર બિહારના સીએમ તરીકે શપથ લીધા હતા, જ્યારે લાલુના દીકરા તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બન્યા છે. હજુ ચાર વર્ષ પહેલા જ એકબીજાથી છૂટા પડેલા જેડીયુ અને આરજેડી ફરી સત્તા માટે ભેગા થયા છે, ત્યારે એક સમયે નીતિશને પલ્ટુરામ કહેનારા તેજસ્વીએ શપથ લીધા બાદ નીતિશ ‘ચાચા’ના ચરણ સ્પર્શ કર્યા હતા.

આરજેડી સહિતના પક્ષો સાથે ગઠબંધન કરી બિહારના આઠમીવાર સીએમ બનતા જ નીતિશ કુમારે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 2014માં સત્તા પર આવેલા લોકો શું 2024માં વિજયી બની શકશે? તેમણે તમામ વિપક્ષોને 2024માં ભેગા થવાનું આહ્વાન કરતા પીએમની ખુરશીનો ઉલ્લેખ કર્યા વિના એવી સ્પષ્ટતા પણ કરી હતી કે તેમને કોઈ પદનો મોહ નથી.

નીતિશે આરજેડી, કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષો સાથે મહાગઠબંધન કરીને આઠમીવાર સરકાર બનાવી છે. મહારાષ્ટ્રના પ્રકરણ બાદ ઉદ્ધવ ઠાકરે સાથે જે થયું તે પોતાની સાથે પણ થઈ શકે છે તે વાતનો અંદાજ આવતા જ ચેતી ગયેલા નીતિશે પોતાના એક સમયના વિશ્વાસુ આરસીપી સિંહને કદ પ્રમાણે વેતરી દીધા હતા. આરસીપીને ભાજપની નજીકના માણસ ગણાવાઈ રહ્યા હતા, જેની શંકા જતાં જ નીતિશ કુમારે તેમની રાજ્યસભાની ટર્મ ના લંબાવી તેમને કેન્દ્રિય મંત્રીમંડળમાંથી રાજીનામું આપવાની ફરજ પાડી હતી, અને ત્યારબાદ એવી સ્થિતિ ઉભી કરી હતી કે આરસીપીએ જાતે જ જેડીયુમાંથી રાજીનામું આપી દીધું હતું.
આજે યોજાયેલા શપથગ્રહણમાં માત્ર નીતિશ અને તેજસ્વીએ જ શપથ ગ્રહણ કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ટૂંક જ સમયમાં સરકારમાં નવા મંત્રીઓનો સમાવેશ કરાશે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે આરજેડી અને જેડીયૂ વચ્ચે વિભાગોની વહેંચણી પણ નક્કી થઈ ચૂકી છે. અગાઉ તેજસ્વીએ ગૃહ વિભાગ માગ્યું હોવાના અહેવાલ હતા, પરંતુ નીતિશ ગૃહ વિભાગ પોતાની પાસે જ રાખશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો, આ વખતે સરકારમાં આરજેડીના સૌથી વધુ મંત્રી હોય તો નવાઈ નહીં, કારણકે પક્ષ પાસે સૌથી વધુ બેઠકો પણ છે.

નીતિશે ભાજપ સાથે છેડો ફાડવા પર પ્રતિક્રિયા આપતા ભાજપના રાજ્યસભા સાંસદ તેમજ બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ જણાવ્યું હતું કે ભાજપે કોઈનેય દગો નથી આપ્યો. અમે જ નીતિશને પાંચવાર બિહારના સીએમ બનાવ્યા, જ્યારે આરજેડીએ તેમને બે વાર સીએમ બનાવ્યા છે. જેડીયુ અને ભાજપ વચ્ચે 17 વર્ષના સંબંધો છે, પરંતુ બંને વાર નીતિશ કુમારે જ સામે ચાલીને છેડો ફાડ્યો છે. ભાજપ દ્વારા શિવસેનાની માફક જેડીયૂને તોડવાના પ્રયાસ થઈ રહ્યા હતા તેવા આક્ષેપ પર સુશીલ મોદીએ કહ્યું હતું કે શિવસેના સાથે તો ભાજપને ગઠબંધન હતું જ નહીં, ઉલ્ટાનું તે તો સત્તાપક્ષ હતો. જ્યારે જેડીયૂ સાથે અમારું ગઠબંધન હતું, અને ભાજપે ક્યારેય કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નથી તોડ્યું.

સંબંધિત પોસ્ટ્સ

27 જાન્યુઆરીએ એર ઈન્ડિયા ટાટા ગ્રુપને સોંપી દેવાશે

Samachar Viswa

જીએસટી પર વળતર-સેસની મુદત વધારીને માર્ચ 2026 કરાઈ

Samachar Viswa

આરએસએસની ઓફિસોને ઊડાડી દેવાની ધમકી આપનારો ઝડપાયો

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો