મુંબઈ
વૈશ્વિક બજારોમાં નકારાત્મક વલણ અને વિદેશી ભંડોળ દ્વારા સતત વેચવાલી વચ્ચે શુક્રવારે ઈક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ 889 પોઈન્ટ તૂટ્યો હતો. 30 શેરવાળો ઈન્ડેક્સ 889.40 પોઈન્ટ અથવા 1.54 ટકાના ઘટાડા સાથે 57,011.74 પર બંધ થયો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી 263.20 પોઈન્ટ અથવા 1.53 ટકાના ઘટાડા સાથે 16,985.20 પર બંધ થયો હતો.
બીજી તરફ ઈન્ફોસિસ, એચસીએલ ટેક, પાવરગ્રીડ અને ટીસીએસ વધનારાઓમાં હતા. એલકેપી સિક્યોરિટીઝના એસ રંગનાથને જણાવ્યું હતું કે એફઆઈઆઈના સતત વેચાણને કારણે આ મહિને સૂચકાંકોમાં ઘટાડો થયો હતો, જેમાં માત્ર આઈટી સૂચકાંકો જ બચ્યા હતા.
અગાઉ ગુરુવારે 30 શેરો ધરાવતો સેન્સેક્સ અસ્થિર વેપારમાં 113.11 પોઈન્ટ અથવા 0.20 ટકા વધીને 57,901.14 પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 27 પોઈન્ટ અથવા 0.16 ટકા વધીને 17,248.40 પર બંધ થયો હતો. શુક્રવારે નિફ્ટી પણ ખરાબ રીતે ખુલ્યો હતો.
જોકે, છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં સ્થાનિક શેરબજારોમાં ઘટાડો ગુરુવારે અટકી ગયો હતો અને બીએસઈ સેન્સેક્સ 113 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા તેના બોન્ડ ખરીદવાના કાર્યક્રમને તીવ્ર રીતે સમાપ્ત કરવાની જાહેરાત કર્યા પછી પણ વૈશ્વિક બજારો ઉંચા આવતાં સ્થાનિક બજારો ઉંચા ગયા હતા. વેપારીઓના મતે ડોલર સામે રૂપિયાના વિનિમય દરમાં વધારો થવાથી પણ સેન્ટિમેન્ટ મજબૂત બન્યું છે. જો કે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા વેચાણ ચાલુ રાખવાથી લાભને મર્યાદિત કરવામાં આવ્યો હતો.
સેન્સેક્સના શેરમાં 2.61 ટકાના વધારા સાથે બજાજ ફાઇનાન્સ ટોપ ગેઇનર હતું. આ સિવાય ઈન્ફોસીસ, ટાઈટન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચસીએલ ટેક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને નેસ્લે ઈન્ડિયા પણ વધ્યા હતા. બીજી તરફ મારુતિ, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ઓટો, સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેંક અને એસબીઆઈ 1.51 ટકા સુધી તૂટ્યા હતા.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે સ્થાનિક બજાર નજીવા વધારા સાથે બંધ થયું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) દ્વારા સતત વેચવાલી અને રિટેલ પ્રવૃત્તિમાં નરમાઈએ સ્થાનિક બજારને શાંત રાખ્યું હતું. ફેડરલ રિઝર્વના ચેરમેને 2022ના મધ્યભાગની જગ્યાએ બોન્ડ ખરીદવાના કાર્યક્રમને ઝડપથી સમાપ્ત કરવાની સાથે ત્રણ નીતિ દરમાં વધારાની જાહેરાત કરી છે. ફેડરલ રિઝર્વે વધતી જતી મોંઘવારી વચ્ચે અર્થતંત્રની મજબૂતી અને રોજગાર મોરચે સુધારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
રેલિગેર બ્રોકિંગના વાઇસ પ્રેસિડેન્ટ (સંશોધન) અજીત મિશ્રાએ જણાવ્યું હતું કે અસ્થિરતા વચ્ચે તાજેતરના ઘટાડા પછી બજાર અપટ્રેન્ડમાં રહ્યું હતું. ફેડરલ રિઝર્વની જાહેરાત સાથે અટકળો અને આશંકાના યુગનો અંત આવ્યો છે. અમે માનીએ છીએ કે આગામી દિવસોમાં વૈશ્વિક બજારોનું પ્રદર્શન નોંધપાત્ર રહેશે. તેમજ પ્રાઇમરી માર્કેટમાં ગતિવિધિ મજબૂત રહેવાની ધારણા છે. સેક્ટરમાં માત્ર આટી સ્ટોકમાં જ મજબૂતી જોવા મળી રહી છે જ્યારે અન્યમાં મિશ્ર વલણ છે. અન્ય એશિયન બજારોમાં ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ, હોંગકોંગનો હેંગસેંગ, જાપાનનો નિક્કી અને દક્ષિણ કોરિયાનો કોસ્પી સુધર્યો હતો.