રાજકોટ, : શહેરનાં જંગલેશ્વર વિસ્તારમાં ડીગ્રી વગર છેલ્લા ઘણા સમયથી લેબોરેટરી શરૂ કરી દર્દીઓની જીદગી સાથે ચેડા કરતા ઈરશાદ ફિરોઝ નકાણી નામના શખ્સને એસઓજીએ આજે ઝડપી લઈ તેની લેબોરેટરીમાંથી જુદા જુદા સાધનો અને કીટ મળી રૂા.૯૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
શહેરમાં છાશવારે બોગસ ડોકટરો પકડાતા રહે છે. પરંતુ આજે નકલી લેબ ટેકનીશ્યન પકડાતા ચર્ચા જાગી છે. એસઓજીના પીએસઆઈ અંસારીએ મળેલી ચોક્કસ બાતમીના આધારે આજે મોડી સાંજે દેવપરા મેઈન રોડથી જંગલેશ્વર તરફ જવાના રસ્તા વચ્ચે આવતા ખ્વાજા ચોકમાં સ્થિત અર્શ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોર ઉપર ધમધમતી સ્પર્શ નામની નકલી લેબોરેટરીમાં દરોડો પાડયો હતો.
લેબોરેટરીના સંચાલક ઈરશાદ (ઉ.વ.ર૩, રહે. પટેલ સોસાયટી-૩, જંગલેશ્વર) પાસે ડીગ્રીની માંગણી કરાતા નહી હોવાનું કહ્યું હતું. પોલીસને પુછપરછમાં કહ્યું કે પોતે બીએસસીના ફાઈનલ ઈયરમાં અભ્યાસ કરે છે. આ અગાઉ ભકિતનગર પોલીસ મથકની સામે આવેલી લેબોરેટરીમાં નોકરી કરતો હતો. જેનો ‘અનુભવ’ કામે લઈ પોતાની લેબ શરૂ કરી દીધી હતી.
એસઓજીએ તેની લેબમાંથી બ્લડ સીરીંઝ, બ્લડ કલેકશન ટયુબ, બ્લડ ટેસ્ટીંગનું મશીન, કલીનીકલ સ્પીરીટ, અલગ-અલગ પ્રકારની કીટ, લેબોરેટરીના કોરા લેટરપેડ અને રોકડા રૂા.૧૧૦૦ મળી કુલ રૂા.૯૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
લેબોરેટરીમાંથી જે લેટરપેડ મળ્યા છે તેનો ઈરશાદે પોતાના નામ પાછળ ડીગ્રીમાં બીએસસી લખ્યું છે. આ રીતે તેણે પોતે હજી બીએસસી પુરૂ કર્યુ ન હોવા છતાં ખોટુ લખાણ કર્યુ હતું. તેના વિરૂધ્ધ મેડીકલ પ્રેકટીશનર એકટ અને આઈપીસી હેઠળ ગુના દાખલ કરી કાર્યવાહી કરી હતી.