રાજસ્થાનના પૂર્વ મંત્રી અને સાંગોદથી કોંગ્રેસના ધારાસભ્ય ભરત સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મોટી નોટો પરથી મહાત્મા ગાંધીનો ફોટો દૂર કરવા માટેની માગણી કરી છે. તેમણે પત્રમાં લખ્યું હતું કે, મહાત્મા ગાંધી સત્યના પ્રતીક છે તથા 500 અને 2,000ની નોટો પર ગાંધીજીનું ચિત્ર હોય છે. લાંચની લેવડ-દેવડમાં તેનો જ સૌથી વધારે ઉપયોગ થતો હોય છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૂચન કર્યું હતું કે, 500 અને 2,000ની નોટો પરથી ગાંધીજીની તસ્વીર હટાવીને ફક્ત તેમના ચશ્માનો ફોટો કે પછી અશોક ચક્રનો ફોટો લગાવવામાં આવે.
ગાંધીજીની તસવીરવાળી મોટી 500 અને 2,000ની નોટોનો દુરૂપયોગ શરાબ પાર્ટી, બાર અને અન્ય પાર્ટીઓમાં નાચવા-ગાવાવાળાઓ પર ન્યોચ્છાવર કરવા માટે પણ કરવામાં આવે છે. તેમણે પત્રમાં લખ્યું હતું કે, રાજસ્થાનમાં એક વર્ષમાં આશરે 616 ટ્રેપ પ્રકરણ નોંધાયા છે. પ્રદેશમાં દરરોજ સરેરાશ 2 ઘટનાઓ બને છે.
ટ્રેપ કરવા માટે લાંચની રકમ રોકડ હોય છે અને 500થી લઈને 2,000ની નોટોનું આદાન-પ્રદાન થાય છે જેના પર ગાંધીજીનો ફોટો હોય છે. સન્માન આપવાના બદલે આ રીતે તેમનું અપમાન થાય છે. તેમનું ચિત્ર 5, 10, 20, 50, 100, 200ની નાની નોટો પર છાપવામાં આવે કારણ કે, તે નોટો ગરીબોના કામમાં આવે છે. ગાંધીજીએ ગરીબ લોકો વચ્ચે કામ કર્યું હતું.