બ્રિજભૂષણ વિરૂદ્ધ ફરિયાદ કરનારી 7માંથી એક જ સગીરવયની મહિલા કુસ્તીબાજ હતી, કુસ્તીબાજ છોકરીએ મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવ્યું
દિલ્હી
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતિય સતામણીના આરોપો પર વિરોધ કરી રહેલા જાણીતા કુસ્તીબાજો હવે ફરજ પર પાછા ફર્યા છે. હવે વધુ માહિતી સામે આવી રહી છે કે એકમાત્ર સગીર મહિલા કુસ્તીબાજ જેણે બૃજભૂષણ સામે પોતાનું નિવેદન નોંધ્યું હતું તેણે તેના આરોપો પાછા ખેંચી લીધા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવનારી 7 મહિલા કુસ્તીબાજોમાંથી એકમાત્ર સગીરાએ અગાઉ લગાવેલા આરોપોને પાછા ખેંચીને હવે નવા મેજિસ્ટ્રેટ સમક્ષ નવું નિવેદન આપ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સગીર મહિલા કુસ્તીબાજે બે વાર નિવેદન નોંધ્યા પછી હવે બ્રૃજભૂષણ સિંહ પરના આરોપો પાછા ખેંચી લીધા છે. સગીરે એક નિવેદન પોલીસને અને બીજું મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધ્યું હતું. અખબારે તેના અહેવાલમાં સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે 17 વર્ષીય સગીર કુસ્તીબાજે હવે મેજિસ્ટ્રેટની સામે સીઆરપીસીની કલમ 164 હેઠળ નવું નિવેદન નોંધાવ્યું છે. આ અંતર્ગત નોંધવામાં આવેલ નિવેદનને કોર્ટમાં મહત્વપૂર્ણ પુરાવા તરીકે ગણવામાં આવે છે. મેજિસ્ટ્રેટ સમક્ષ અલગ-અલગ નિવેદનો આપ્યા બાદ હવે કોર્ટ નક્કી કરશે કે આરોપો પર આગળ વધી શકાય કે નહીં. હવે કોર્ટ નક્કી કરશે કે સીઆરપીસીની કલમ 164 હેઠળ નોંધાયેલા કયા નિવેદનને પ્રાધાન્ય આપવું જોઈએ.
સગીર કુસ્તીબાજે 10 મેના રોજ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું પહેલું નિવેદન નોંધ્યું હતું. એફઆઈઆરમાં સગીરના પિતાએ કહ્યું હતું કે તેમની પુત્રી આરોપીના જાતીય સતામણીથી ખૂબ જ હેરાન હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, બૃજભૂષણે ફોટોગ્રાફ્સ લેવાના બહાને તેની સાથે શારિરિક અડપલાં કર્યા હતા.
એફઆઈઆરના આધારે બ્રૃજભૂષણ સિંહ વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ 10 (જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ) અને આઈપીસીની કલમ 354, 354એ, 354ડીઅને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોક્સોએક્ટની કલમ 10 સગીરા સાથેની જાતીય સતામણી સાથે સંબંધિત છે અને તેમાં 7 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે. બીજી તરફ, IPCની કલમ 354 હેઠળ દોષિત જે થાય તે વ્યક્તિને 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
બ્રૃજભૂષણ શરણ સિંહ તેમના પર લાગેલા આરોપોને નકારી રહ્યા છે. કુસ્તીબાજો તેમની સામે એફઆઈઆર નોંધવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા અને અંતે દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર એફઆઈઆર નોંધી હતી. બ્રિજ ભૂષણની ધરપકડની માંગને લઈને 23 એપ્રિલથી લગભગ દોઢ મહિના સુધી જંતર-મંતર પર દેખાવો થયા હતા. પ્રદર્શન કરનારા કુસ્તીબાજોમાં ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિક ઉપરાંત વિનેશ ફોગટ સહિત ઘણા કુસ્તીબાજો છે કે જેમણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે.
કુસ્તીબાજોએ હરિદ્વારમાં ગંગા નદીમાં તેમના મેડલ તરતા મૂકવાની જાહેરાત કરી હતી, પરંતુ છેલ્લી ક્ષણે ખેડૂત નેતા નરેશ ટિકૈતની દરમિયાનગીરી બાદ તેઓએ મેડલ ઉતારવાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો. હવે બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ રેલ્વેમાં તેમની નોકરીએ પરત ફર્યા છે. જોકે, તેણે સ્પષ્ટતા કરી છે કે તે માત્ર કામ પર પારત ફર્યા છે. ન્યાય માટે તેમનું અભિયાન ચાલુ રહેશે. કુસ્તીબાજોએ તો ત્યાં સુધી કહ્યું છે કે તેમને નોકરી છોડવામાં 10 સેકન્ડ પણ નહીં લાગે.