વિરાટ અને શ્રેયસ બેટિંગ કરી રહ્યા હતા ત્યારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઇશાન કિશનને મેસેન્જર તરીકે મેદાન પર મોકલ્યો હતો
કોલકાતા
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગઈકાલે કોલકાતાના ઈડન ગાર્ડનમાં વન-ડે વર્લ્ડ કપ2023ની 37મી મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 243 રનથી હરાવી વન-ડે વર્લ્ડ કપ2023માં તેની સતત 8મી જીત નોંધાવી હતી. પરંતુ એક સમયે ભારતીય બેટ્સમેન મુશ્કેલીમાં દેખાઈ રહ્યા હતા. ભારતની બેટિંગ દરમિયાન 11થી 25 ઓવર સુધી ભારતીય બેટ્સમેનોએ માત્ર 52 રન બનાવ્યા હતા.
કોલકાતાની પિચ પર ટર્ન જોવા મળી રહ્યો હતો. આ ટર્નના કારણે વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરને બેટિંગ કરવામાં મુશ્કેલી થઇ રહી હતી. જયારે વિરાટ અને શ્રેયસ બેટિંગ કરી રહ્યા હતા ત્યારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઇશાન કિશનને મેસેન્જર તરીકે મેદાન પર મોકલ્યો હતો. કોચ રાહુલ દ્રવિડ અને રોહિત શર્માએ ઇશાનને કંઇક સમજાવ્યું અને ડ્રીંક્સ લઈને મેદાનમાં જવા કહ્યું હતું. તેના તરત પછી જ તેણે મેદાનમાં જઈને કોહલી અને અય્યરને કેપ્ટન અને કોચનો મેસેજ આપ્યો હતો.
શ્રેયસ અય્યરે મેચ બાદ ખુલાસો કર્યો હતો કે ટીમ મેનેજમેન્ટ દ્વારા તેને શું સંદેશ મોકલવામાં આવ્યો હતો. અય્યરે કહ્યું, ‘ મેચ વચ્ચે મેસેજ મોકલવા માટે કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટનો આભાર, કારણ કે તે સમયે હું થોડો ચિંતિત હતો પરંતુ તેઓએ અમને મેચમાં સમજદારીપૂર્વક બેટિંગ કરવા કહ્યું. આનાથી મને મેચ દરમિયાન ઘણી મદદ મળી. વિરાટ કોહલીએ પણ મેચ બાદ કહ્યું હતું કે ટીમ મેનેજમેન્ટે તેને અંત સુધી રહેવાનો મેસેજ આપ્યો હતો.
વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર વચ્ચે 135 રનની ભાગીદારી થઇ હતી. શ્રેયસ અય્યરે 87 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા. તે સદીથી ચુકી ગયો હતો પરંતુ આઉટ થતા પહેલા તેણે ભારતીય ટીમને એક મજબૂત સ્થિતિ સુધી પહોંચાડી દીધી હતી.