શાકિબના ડાબા હાથની તર્જની આંગળીમાં ફ્રેક્ચરની પુષ્ટિ થઈ હતી, જેના કારણે તે હવે 11 નવેમ્બરના રોજ પુણેમાં ઓસ્ટ્રેલિયા સામે રમાનાર મેચ ગુમાવશે
નવી દિલ્હી
બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે દિલ્હીમાં મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને એન્જેલો મૈથ્યુઝને ટાઈમ આઉટ કર્યો હતો. જે બાદ ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો હતો. બાંગ્લાદેશે શ્રીલંકાને આ મેચમાં 3 વિકેટથી હરાવ્યું હતું. બાંગ્લાદેશ તેની આગામી અને વન-ડે વર્લ્ડ કપ 2023ની તેની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે. તે પહેલા બાંગ્લાદેશની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. બાંગ્લાદેશ ટીમનો કેપ્ટન શાકિબ અલ હસન વન-ડે વર્લ્ડ કપ 2023માંથી બહાર થઇ ગયો છે.
શાકિબ અલ હસનને ગઈકાલે શ્રીલંકા સામે બેટિંગ કરતા સમયે ઈજા થઇ હતી. મેચ સમાપ્ત થયા બાદ એક્સ-રેમાં શાકિબના ડાબા હાથની તર્જની આંગળીમાં ફ્રેક્ચરની પુષ્ટિ થઈ હતી. જેના કારણે તે હવે 11 નવેમ્બરના રોજ પુણેમાં ઓસ્ટ્રેલિયા સામે રમાનાર મેચ સાથે વન-ડે વર્લ્ડ કપ 2023થી બહાર થઇ ગયો છે.
શાકિબ અલ હસને શ્રીલંકા સામે 65 બોલમાં 82 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. શાકિબના શાનદાર 82 રનના કારણે બાંગ્લાદેશની ટીમે શ્રીલંકાને 3 વિકેટથી હરાવ્યું હતું. બાંગ્લાદેશ 7માંથી 4 મેચ જીતી 8 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલ પર 7માં સ્થાને છે. અને હવે બાંગ્લાદેશની ટીમ સેમિફાઈનલની રેસમાંથી બહાર થઇ ચુકી છે.