સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડે 1,000 થી 2,000 કિમીની સ્ટ્રાઈક રેન્જ સાથે મિસાઈલનું પ્રથમ પ્રી-ઇન્ડક્શન નાઇટ ટેસ્ટનું આયોજન કર્યું
નવી દિલ્હી
ભારતે ઓડિશાના અબ્દુલ કલામ દ્વીપ પરથી પરમાણુ શસ્ત્રો લઈ જવામાં સક્ષમ નવી પેઢીની અગ્નિ પ્રાઇમ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જેનાથી દેશની વ્યૂહાત્મક શસ્ત્ર પ્રણાલી મજબૂત થઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડે 1,000 થી 2,000 કિલોમીટર (કિમી)ની સ્ટ્રાઈક રેન્જ સાથે મિસાઈલનું પ્રથમ ‘પ્રી-ઇન્ડક્શન’ (સશસ્ત્ર દળોમાં સામેલ થવા પહેલાં) નાઇટ ટેસ્ટનું આયોજન કર્યું હતું.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરીક્ષણમાં તમામ ઇચ્છિત ઉદ્દેશ્યો પૂરાં થયા હતા. આ રીતે હવે આ મિસાઈલનો સશસ્ત્ર દળોના શસ્ત્રોમાં સામેલ થવાનો માર્ગ મોકળો થયો છે. મિસાઈલનું આ પરીક્ષણ ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, નવી પેઢીની બેલેસ્ટિક મિસાઇલ ‘અગ્નિ પ્રાઇમ’નું ડીઆરડીઓ દ્વારા ઓડિશાના દરિયાકાંઠે આવેલા ડૉ. એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સશસ્ત્ર દળોમાં સામેલ થાય તે પહેલા મિસાઇલના ત્રણ સફળ વિકાસલક્ષી પરીક્ષણો પછી વપરાશકર્તા દ્વારા આ પ્રથમ નાઈટ ટેસ્ટ હતું, જે તેની ચોકસાઈ અને વિશ્વસનીયતાને માન્ય કરે છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ડીઆરડીઓ અને સશસ્ત્ર દળોને આ સફળતા અને નવી પેઢીની બેલેસ્ટિક મિસાઈલના શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા. મંત્રાલયે કહ્યું, પરીક્ષણ માટે વિવિધ સ્થળોએ રડાર, ટેલિમેટ્રી, ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ જેવા ઉપકરણો સ્થાપિત કરવામાં આવ્યા હતા.