આ મામલે ઈડી ઝારખંડના મુક્યમંત્રીને અગાઉ 6 વખત સમન્સ પાઠવી ચૂકી છે
નવી દિલ્હી
જમીન કૌભાંડ મામલે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પૂછપરછ માટે ઈડીએ છેલ્લી નોટિસ પાઠવી છે. આ સાથે કેન્દ્રીય એજન્સીએ સોરેનને તેમની ઈચ્છા પ્રમાણે સ્થળ અને સમય જણાવવા કહ્યું છે જેથી ઈડીના અધિકારીઓ જઈને તેમની પૂછપરછ કરી શકે.
ઈડીએ હેમંત સોરેનને પાઠવેલા સમન્સમાં કહ્યું કે, જમીન કૌભાંડ મામલે તેમનું નિવેદન નોંધવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે ઈડી તેમની ઈચ્છા પ્રમાણે નિવેદન નોંધવા માટે તૈયાર છે. આ મામલે ઈડી તેમને અગાઉ 6 વખત સમન્સ પાઠવી ચૂકી છે.
ઈડીએ હેમંત સોરેનને મોકલેલી નોટિસમાં એમ પણ લખ્યું છે કે આ પત્રને સમન્સ તરીકે જોવામાં આવે. કેન્દ્રીય એજન્સીએ કહ્યું કે મુખ્યમંત્રી સોરેન આગામી બે દિવસમાં જમીન કૌભાંડ કેસમાં પોતાનું નિવેદન રેકોર્ડ કરાવે. ઈડીએ પત્રમાં એમ પણ લખ્યું છે કે આ પત્રને સમન્સ તરીકે જ જોવામાં આવે.
નોટિસમાં લખવામાં આવ્યું કે, બડગાઈ જમીન કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી હેમંત સોરેનની પૂછપરછ કરવાની છે. આ મામલાની તપાસ આગળ વધારવા માટે મુખ્યમંત્રીનું નિવેદન નોંધવું ખૂબ જ જરૂરી છે. નિવેદન ન નોંધાતા તપાસ પ્રભાવિત થઈ રહી છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રીને આ અંતિમ તક આપવામાં આવી રહી છે કે, તેઓ કોઈ એવું સ્થળ નક્કી કરે જે ઈડી અને તેમના બંને માટે યોગ્ય હોય અને ત્યાં જ મુખ્યમંત્રીનું નિવેદન નોંધવામાં આવશે.
મુખ્યમંત્રી હેમંત સોરેને જમીન કૌભાંડ કેસમાં ઈડીના છ સમન્સને નજરઅંદાજ કર્યા છે. વારંવાર નોટિસ પાઠવવા છતાં પણ તેઓ એજન્સીની ઓફિસે નથી પહોંચ્યા ત્યારબાદ ઈડીએ મુખ્યમંત્રી હેમંત સોરેનને સાતમી નોટિસ મોકલી છે.