ભારત-એ તરફથી રમતા રજત પાટીદારે ઇંગ્લેન્ડ લાયન્સ સામે 151 રનની શાનદાર ઇનિંગ રમી હતી
નવી દિલ્હી
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી શરુ થનાર 5 મેચની ટેસ્ટ સીરિઝ માટે બીસીસીઆઈએ વિરાટ કોહલીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. વિરાટ કોહલીના સ્થાને રજત પાટીદારને તક મળી છે. વિરાટ કોહલી અંગત કારણોસર પ્રથમ બે મેચ માટે ઉપલબ્ધ નથી. વિરાટની જગ્યાએ ટીમમાં સ્થાન મેળવનાર ખેલાડીઓમાં સરફરાઝ ખાનનું નામ પણ સામેલ હતું, પરંતુ હાલ સરફરાઝ ભારત-એ ટીમ સાથે જોડાયેલો રહેશે.
રજત પાટીદાર પ્રથમ બે ટેસ્ટ મેચ માટે હૈદરાબાદમાં ભારતીય ટીમ સાથે જોડાઈ ગયો છે. મળેલા અહેવાલો મુજબ પાટીદારને શાનદાર ફોર્મનો ફાયદો મળ્યો છે અને સરફરાઝ ખાનના સ્થાને તેને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારત-એ તરફથી રમતા રજત પાટીદારે ઇંગ્લેન્ડ લાયન્સ સામે 151 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
અગાઉ અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે વિરાટ કોહલીના સ્થાને ચેતેશ્વર પુજારાને ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે. પુજારાએ રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને હાલમાં જ તેણે બેવડી સદી પણ ફટકારી હતી. પરંતુ પુજારા માટે હવે ભારતીય ટીમના દરવાજા લગભગ બંધ થઇ ગયા છે. જયારે અજિંક્ય રહાણે રણજી ટ્રોફીમાં પણ કઈ ખાસ કરી શક્યો નથી. તેથી તેના પરત ફરવાની કોઈ શક્યતા નથી. ઈંગ્લેન્ડ સામેની સીરિઝ માટે ભારતે શુભમન ગિલ અને શ્રેયસ અય્યર જેવા યુવા ખેલાડીઓ પર જ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જો કે જો આ બંને ખેલાડીઓ આ સીરિઝમાં સારું પ્રદર્શન કરી શકશે નહીં તો તેમના માટે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવું ઘણું મુશ્કેલ બની જશે.