મોલના બંધ કરવાના સમયે પાછળના ભાગમાં અકસ્માતે આગ લાગી, આ સમયે મોલમાં કોઈ હાજર ન હોવાથી કોઇ જાનહાની થઈ ન હતી
જામનગર
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા રિલાયન્સ મેગા મોલમાં રાત્રિના 9 વાગ્યાને 50 મિનિટે શોર્ટ સર્કિટ થવાના કારણે અન્યથા કોઈ પણ કારણસર આગ લાગી હતી, અને જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેને લઈને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, અને આગ બુઝાવવામાટે રિલાયન્સ કંપનીના 15 ફાયર ફાઈટર ઉપરાંત આસપાસના વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના ફાયર ફાઇટર તેમજ જામનગર- રાજકોટ- કાલાવડ-ધ્રોળ- દ્વારકા- ઓખા સહિતના તમામ સરકારી ફાયર ફાઈટરની મદદ લેવાઈ હતી, અને 50 જેટલા ફાયર ફાઈટરોની મદદથી 200 થી વધુ પાણીના ટેન્કરોના ફેરા કરીને આગ બુજાવવામાં આવી હતી, અને સતત સાત કલાક સુધી આ કામગીરી ચાલી હતી. આગના કારણે સંપૂર્ણ મેગા મોલ બળીને ખાખ થયો છે, અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સદભાગ્યે આગજનનીની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલો મળ્યા નથી.
જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી સ્થિત રિલાયન્સ મેગા મોલમાં ગઈ રાત્રિના 9 વાગ્યાને 50 મિનિટે મોલના બંધ કરવાના સમયે પાછળના ભાગમાં અકસ્માતે આગ લાગી હતી. આ સમયે મોલમાં કોઈ હાજર ન હોવાથી કોઇ જાનહાની થઈ ન હતી. પરંતુ આગે થોડી ક્ષણોમાં જ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
મેગા મોલ અનાજ કારીયાણાંની ચીજ વસ્તુ, તેલ,કપડાં, સહિતની વસ્તુઓ સ્ટોરેજ કરીને રાખી હતી, જેમાં આગ પહોંચતા આગની મોટી જવાળા ઉઠવા માંડી હતી, અને સૌ પ્રથમ ગણતરીની મિનિટોમાં રિલાયન્સ કંપનીના ફાયર ફાઈટરો બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યો હતું. પરંતુ જોતજોતામાં આગ સમગ્ર મોલમાં ફેલાઈ હતી, અને દૂર સુધી આગના લબકારાઓ જોવા મળતા હતા, જેથી આગના બનાવ અંગે જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી.
જામનગર જિલ્લા કલેકટરને આગજનીની ઘટનાની જાણ થવાથી તેમણે તુરત જ સિક્કા ટીપીએસ કોલોની, જી.એસએફસી, નયારા, જામનગર મહાનગરપાલિકાની ફાયરની ટિમ ધ્રોળ-કાલાવડ સહિતના ફાયર ફાઈટરને દોડતા કરાવવા માટેની સૂચના આપતાં તમામ ફાયર ફાઈટરો અગના સ્થળે દોડ્યા હતા, અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, દ્વારકા, અને ઓખા થી ફાયર ફાઈટર દોડાવાયા હતા, જ્યારે રાજકોટ ગોંડલ સહિતના સૌરાષ્ટ્રભરમાંથી અન્ય ફાયર ફાઈટરોની પણ આગ બુજાવવા માટે મદદ લેવામાં આવી હતી. અંદાજે 50 જેટલા ફાયર ફાઈટર બનાવના સ્થળે ગણતરીના સમયમાં પહોંચી ગયા હતા, અને સમગ્ર મોલને ચોતરફથી કોર્ડન કરીને પાણીનો મારો ચલાવી આગ બુજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આગના કારણે મોલનો ડોમ ધરાશાઇ થઈ ગયો હતો, અને પતરા સહિતનો સમગ્ર શેડ સળગતા માલ સામાનની ઉપર પડ્યો હતો, જેથી નીચે આગ ચાલુ રહી હતી, પરંતુ પતરાના કારણે આગ બુઝાવવી મુશ્કેલ હતી. જેથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો વારો આવ્યો હતો, અને 200થી વધુ પાણીના ટેન્કરનો ઠાલવી દેવાયા હતા, અને આખરે સાત કલાકની જહેમત બાદ વહેલી સવારે 5.00 વાગ્યાને 10 મિનિટે આગ બુઝાવવાની કામગીરીને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. સમગ્ર મોટી ખાવડી વિસ્તારમાં આગની જ્વાળાઓ દૂર સુધી દેખાઇ હોવાથી ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, અને આસપાસના વિસ્તારમાં પાર્ક કરાયેલા વાહનોને પણ ત્યાંથી દૂર કરી દેવાયા હતા.