આયર્લેન્ડની ટીમે આ મામલે ભારતને પણ પાછળ મૂકી દીધું, પ્રથમ જ ટેસ્ટમાં વિ મેળવનારી ઓસ્ટ્રેલિયા એક માત્ર ટીમ
ડબલીન
આયર્લેન્ડ ક્રિકેટ ટીમે ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો છે. ભારત, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા જેવી ટીમો જે ન કરી શકી તે આયર્લેન્ડે કરી બતાવ્યું છે. આયર્લેન્ડે અફઘાનિસ્તાન સામે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચ જીતીને આ અનોખો રેકોર્ડ બનાવ્યો છે.
આયર્લેન્ડ ક્રિકેટ ટીમે તેના કરિયરની આઠમી મેચમાં પ્રથમ ટેસ્ટ જીત હાંસલ કરી છે. તે સૌથી ઓછી મેચોમાં પ્રથમ ટેસ્ટ જીત મેળવનાર છઠ્ઠી ટીમ બની છે. તેણે આ મામલે ભારતીય ટીમને પણ પાછળ છોડી દીધી છે. આ જીત સાથે આઈરીશ ટીમે ભારત સિવાય ઘણી મોટી ટીમોને પણ પાછળ છોડી દીધી છે. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની ટીમ આ મામલે નંબર-1 ટીમ છે. ઓસ્ટ્રેલિયા એકમાત્ર એવી ટીમ છે જેણે ટેસ્ટ ક્રિકેટની પહેલી જ મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયા પછી 3 એવી ટીમો છે, જેણે પોતાના ટેસ્ટ કરિયરની બીજી મેચમાં પ્રથમ જીત મેળવી હતી. આ યાદીમાં ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ટીમ સામેલ છે.
ભારતે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પ્રથમ જીત માટે 25 મેચોની રાહ જોવી પડી હતી. ભારત પ્રથમ 24 ટેસ્ટ મેચોમાં એક પણ મેચ જીતી શક્યું ન હતું. બાંગ્લાદેશે 35મી મેચમાં ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ જીત હાંસલ કરી હતી. આ સિવાય ન્યૂઝીલેન્ડને ટેસ્ટ ક્રિકેટમાં પહેલી જીત 45મી મેચમાં મળી હતી. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આયરલેન્ડ માટે આ કેટલી મોટી સિદ્ધિ છે.
મેચની વાત કરીએ તો આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં આયર્લેન્ડે 6 વિકેટથી અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં આયર્લેન્ડને સૌથી પહેલા પોતાના બોલરોને ટેસ્ટ કરવાનો મોકો મળ્યો. આયર્લેન્ડના બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને અફઘાનિસ્તાનની ટીમને માત્ર 155ના સ્કોર પર ઓલઆઉટ કરી નાખી હતી. અફઘાનિસ્તાન તરફથી માત્ર ઈબ્રાહિમ ઝાદરાને 50 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં આયર્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 263 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન બીજી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતર્યું તો 218ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયું. આવી સ્થિતિમાં આયર્લેન્ડ પાસે જીતવા માટે આસાન લક્ષ્ય હતું, જેને ટીમે 6 વિકેટ બાકી રહેતા હાંસલ કરી લીધું હતું.