બીસીસીઆઈ દ્વારા ટેસ્ટ ક્રિકેટ ઇન્સેન્ટિવ્ યોજના શરૂ કરવાની જાહેરાત કરાઈ
ધર્મશાલા
ભારતીય ટીમે ધર્મશાલામાં રમાયેલી પાંચમી અને સીરિઝની છેલ્લી મેચ એક ઈનિંગ અને 64 રને જીતી લીધી છે. આ સાથે ભારતે ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચોની સીરિઝ 4-1થી પોતાના નામે કરી છે. ભારતીય ટીમે પહેલી મેચ હાર્યા બાદ જોરદાર પ્રદર્શન કરતા બાકીની ચારેય મેચ પોતાના નામે કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) પણ ટીમના પ્રર્દશનથી ખુશ થયું છે અને બોર્ડના સચિવ જય શાહે ટીમ માટે એક મોટી જાહેરાત કરી છે.
બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા એક્સ પર જાહેરાત કરતા જણાવ્યું હતું કે હવે ટેસ્ટ ક્રિકેટ રમનારા ખેલાડીઓને મેચ ફી ઉપરાંત પણ વધારાના રૂપિયા મળશે. જય શાહ દ્વારા એક ઇન્સેન્ટિવ્ યોજના જાહેર કરી છે, જેને ટેસ્ટ ક્રિકેટ ઇન્સેન્ટિવ્ યોજના નામ આપવામાં આવ્યું છે. જય શાહે એક્સ પર લખ્યું હતું કે ‘ભારતીય પુરુષ ટેસ્ટ ટીમના ખેલાડીઓ માટે ‘ટેસ્ટ ક્રિકેટ ઈન્સેન્ટિવ્ યોજના’ શરૂ કરવાની જાહેરાત કરતાં મને આનંદ થાય છે, જેનો ઉદ્દેશ્ય આપણા ખેલાડીઓને નાણાકીય વૃદ્ધિ અને સ્થિરતા પ્રદાન કરવાનો છે.’ વર્ષ 2022-23 સિઝનમાં ‘ટેસ્ટ ક્રિકેટ ઈન્સેન્ટિવ્ યોજના’ ટેસ્ટ મેચો માટે હાલની મેચ ફી રૂપિયા 15 લાખની ઉપરાંત વધારાના પુરસ્કારના રુપે કામ કરશે.’
હાલમાં ટેસ્ટ મેચ ફી 15 લાખ રૂપિયા છે, પરંતુ જે ખેલાડીઓ એક સિઝનમાં 75 ટકાથી વધુ મેચ રમશે અને પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે તેમને મેચ દીઠ ફી ઉપરાંત 45 લાખ રૂપિયા વધારાના મળશે, જ્યારે જે પ્લેયર પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહીં હોય તેમને મેચ દીઠ ફી ઉપરાંત 22.5 લાખ વધારાના મળશે. આ સાથે જે ખેલાડી સિઝનમાં 50 ટકા એટલે કે લગભગ 5 કે 6 મેચ રમે છે તેને મેચ દીઠ ફી ઉપરાંત 30 લાખ રૂપિયા વધારાના મળશે અને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રહેનાર ખેલાડીને મેચ દીઠ ફી ઉપરાંત 15 લાખ રૂપિયા વધારાના મળશે. જો કોઈ ખેલાડી 50 ટકા મેચો રમે છે તો તેને કોઈ ઈન્સેન્ટિવ્ મળશે નહીં. માત્ર મેચ દીઠ ફી 15 લાખ રૂપિયા મળશે.