ગુજરાતી પત્રકારત્વમાં ખરા અર્થમાં ફૂલટાઈમ સ્પોટર્સ એડિટર તરીકે દારાનું યોગદાન હંમેશા યાદ રખાશે
મુંબઈ
છેલ્લા ત્રણ દાયકાથી પણ વધારાના સમયથી ખેલકૂદ પત્રકારત્વ સાથે સંકળાયેલા મુંબઈના દારા પોચખાનવાલાનું 73 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી ‘મુંબઈ સમાચાર’ સાથે સ્પોર્ટ્સ એડિટર તરીકે સંકળાયેલા હતા. થોડા સમયથી તેમને કિડનીની ગંભીર બીમારી હતી.
ખેલકૂદ પત્રકારત્વમાં અત્યંત સન્માનનિય દારા શાંત સ્વભાવના, મહેનતુ અને કામ પ્રત્યે નિષ્ઠાવાન હતા. દારાએ અમદાવાદ સહિત ગુજરાતના ક્રિકેટ મેદાન પર વર્લ્ડ કપ સહિતની અનેક મેચોનું કવરેજ પણ કર્યું હતું. દારા ક્રિકેટ અમ્પાયરિંગમાં ગોલ્ડ મેડલિસ્ટ હતા. તેમણે અનેક સ્થાનિક મૅચોમાં અમ્પાયરિંગ કર્યું હતું. ક્રિકેટના અને ખાસ કરીને અમ્પાયરિંગના નિયમોના જાણકાર દારા 1980-’90ના દાયકામાં વિનોદ કાંબલી સહિત ઘણા જાણીતા ક્રિકેટરો માટે માર્ગદર્શક બન્યા હતા.
સરળ અને સાલસ દારાની કર્મ ભૂમિ ભલે મુંબઈ રહી હોય પરંતુ તેઓ સમગ્ર દેશના રમત-જગત સાથે સંકળાયેલા મહાનુભાવો, ખેલાડીઓ અને વહિવકારો સાથે સંપર્કમાં રહેતા અને રમતના વિકાસ માટે માર્ગદર્શન પણ આપતા હતા. ખેલકૂદ ખાસ કરીને ગુજરાતી પત્રકારત્વમાં ખરા અર્થમાં ફૂલટાઈમ સ્પોટર્સ એડિટર તરીકે દારાનું યોગદાન હંમેશા યાદ રખાશે. મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (એમસીએ)ની મૅનેજિંગ કમિટીના ભૂતપૂર્વ મેમ્બર તેમ જ અમ્પાયર્સ સબ કમિટીના ભૂતપૂર્વ મેમ્બર દારા પોચખાનાવાલા સ્પોર્ટ્સ જર્નલિસ્ટ્સ અસોસિયેશન ઑફ મુંબઈ (એસજેએએમ) સાથે પણ સંકળાયેલા હતા તેમ જ ઑલ ઇન્ડિયા ક્રિકેટ સ્કોરર્સ એન્ડ સ્ટેટિસ્ટિશિયન કમિટીના તેઓ સ્થાપક સભ્ય પણ હતા. ઘણા વર્ષો પહેલાં તેમણે પોતાની ‘ફોર્ટ યંગસ્ટર્સ’ ક્લબ વેચીને એમાંથી મળેલા 1.30 કરોડ રૂપિયા તેમના 42 ક્લબ મેમ્બર્સમાં (ગોલ્ડ કોઇનના રૂપમાં) વહેંચી દીધા હતા અને પોતાની પાસે ટૉકન તરીકે માત્ર એક રૂપિયો અને નાનો ગોલ્ડ કોઇન રાખ્યો હતો.પારસી સમુદાયમાં પ્રખ્યાત દારા પોચખાનાવાલામાં બહુ સારી રમૂજવૃત્તિ પણ હતી.
18 ઓગસ્ટે કાંગા લીગ ક્રિકેટમાં અમ્પાયરો દારાને અંજલિ આપવા બે મિનિટનું મૌન પાળશે. તેઓ અમ્પાયર દારાના માનમાં ખાસ તેમના નામે બનાવેલા સિક્કાનો ઉપયોગ ટૉસ ઉછાળવામાં કરશે. આ સિક્કો અસોસિયેશન ઑફ ક્રિકેટ અમ્પાયર્સ ઑફ મુંબઈ (એસીયુએમ) દ્વારા થોડા વર્ષ પહેલાં બનાવાયો હતો.
દારા થોડા સમયથી આર્થિક મુશ્કેલીમાં હતા અને એસીયુએમ તરફથી તેમને જે તબીબી સહાય કરવામાં આવી હતી એ બદલ ખુદ દારાએ ગયા અઠવાડિયે અસોસિયેશનને આભાર વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો. દારાને કેટલાક નજીકના મિત્રોએ પણ આર્થિક મદદ કરી હતી.