વિરોધ પક્ષોએ પાંડિયન પર રાજકીય લાભ મેળવવા માટે તેમના પદનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો
ભૂવનેશ્વર
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના સચિવ વી.કે. પાંડિયનને સરકારી સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ (વીઆરએસ) લીધી છે. રાજ્યમાં સત્તારૂઢ બીજુ જનતા દળ (બીજેડી)ના સૂત્રોએ જણાવ્યું અનુસાર, તેઓ પાર્ટીમાં જોડાઈ શકે છે અને વિધાનસભા ચૂંટણી પહેલા તેમને મહત્વપૂર્ણ ભૂમિકા આપવામાં આવી શકે છે. રાજ્યમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીઓ પ્રસ્તાવિત છે. આ ચૂંટણીમાં તેમને મહત્વની ભૂમિકા મળે તેવી અટકળો ચાલી રહી છે.
મુખ્યમંત્રીના ખૂબ જ નજીકના સહયોગી ગણાતા પાંડિયન ઘણીવાર વિવાદોમાં પણ રહ્યા છે. વિરોધ પક્ષોએ પાંડિયન પર રાજકીય લાભ મેળવવા માટે તેમના પદનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. પાંડિયન ઓડિશા કેડરના 2000 બેચના આઈએએસ અધિકારી છે. ઓડિશા સરકારના વહીવટી વિભાગને લખેલા પત્રમાં, કેન્દ્રના કર્મચારી અને તાલીમ વિભાગે જણાવ્યું હતું કે, પાંડિયનની સ્વૈચ્છિક નિવૃત્તિ રાજ્ય સરકાર દ્વારા ભલામણ કરાયેલ નોટિસ અવધિમાં છૂટછાટ સાથે સ્વીકારવામાં આવી છે.