ટીમની કોચિંગની જવાબદારી સિતાંશુ કોટકના નેતૃત્વ હેઠળ નેશનલ ક્રિકેટ એકેડમીના સ્ટાફને સોંપવામાં આવશે
નવી દિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. જ્યાં તે ત્રણેય ફોર્મેટની સિરીઝ રમશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી20આઈ સિરીઝ ડ્રો રહી હતી. હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે વન-ડે સિરીઝ રમવાની છે. પરંતુ તે પહેલા એક મોટો ફેરફાર થયો છે. રાહુલ દ્રવિડને વન-ડે સિરીઝ માટે કોચના પદથી હટાવી દેવામાં આવ્યા છે. રાહુલની જગ્યાએ કોચની જવાબદારી નેશનલ ક્રિકેટ એકેડમી સાથે જોડાયેલ વ્યક્તિ કરશે.
મળેલા અહેવાલો મુજબ દ્રવિડ અને તેનો કોચિંગ સ્ટાફ ત્રણ વનડે મેચમાંથી એકપણ મેચમાં સામેલ થશે નહીં. કે.એલ રાહુલના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે વન-ડે સિરીઝ રમવા માટે મેદાન પર ઉતરશે. આ ટીમની કોચિંગની જવાબદારી સિતાંશુ કોટકના નેતૃત્વ હેઠળ નેશનલ ક્રિકેટ એકેડમીના સ્ટાફને સોંપવામાં આવશે. આ અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોટક ઉપરાંત અજય રાત્રા ફિલ્ડીંગ કોચ જયારે રાજીવ દત્તા બોલિંગ કોચ તરીકે ભારતીય ટીમની સાથે જોડાશે.
એવું માનવામાં આવી રહ્યું છે કે રાહુલ દ્રવિડનો લક્ષ્ય ટેસ્ટ ફોર્મેટ પર ફોકસ કરવાનો છે. જેમાં 26 ડિસેમ્બરથી સેન્ચુરિયન અને 3 જાન્યુઆરીથી કેપટાઉનના ન્યુલેન્ડ્સમાં રમાનાર 2 ટેસ્ટ મેચ સામેલ છે. વનડે મેચોમાં કોચિંગ છોડવાનો સીધો મતલબ એ છે કે દ્રવિડનું ધ્યાન ટેસ્ટ સિરીઝ તરફ છે, જેથી ટેસ્ટ મેચોમાં વધુ સારા પ્રદર્શન સાથે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં સુધારો કરી શકે. આ સિવાય રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ કોઈપણ કિંમતે સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતવા માંગે છે, કારણ કે ભારત આવું ક્યારેય કરી શક્યું નથી. ભારતીય ટીમ વર્ષ 2021-22માં છેલ્લી સિરીઝમાં પ્રથમ ટેસ્ટ જીતીને સાઉથ આફ્રિકાને હરાવવાની નજીક પહોંચી હતી, પરંતુ આગામી બે ટેસ્ટમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.