લીસ્ટ પર સવાલો ઉઠાવવામાં આવ્યા અને બીસીસીઆઈ દ્વારા આ લીસ્ટને ક્રોસચેક કરવામાં આવી તો સ્થિતિ બદલાઈ હતી

મુંબઈ
આઈપીએલ 2023ના ઓક્શનનું આયોજન 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં થશે. આ વખતે ઓક્શનમાં કુલ 333 ખેલાડીઓ ભાગ લેવાના છે જેમાંથી એક નામ ચેતન સાકરિયાનું પણ છે. ચેતનને આ વર્ષે દિલ્હી કેપિટલ્સની ટીમે રિલીઝ કરી દીધો છે. ચેતને પણ પોતાનું નામ આઈપીએલ ઓક્શન 2024 માટે રજિસ્ટર કરાવ્યું છે. પરંતુ ઓક્શન પહેલા ચેતનને બીસીસીઆઈ દ્વારા એક મોટો ઝટકો આપવામાં આવ્યો હતો. બીસીસીઆઈએ ચેતનના બોલિંગ એક્શનને સસ્પેક્ટ બોલિંગ એક્શનની લીસ્ટમાં સામેલ કર્યો હતો. આવી સ્થિતિમાં જયારે આ લીસ્ટ પર સવાલો ઉઠાવવામાં આવ્યા અને બીસીસીઆઈ દ્વારા આ લીસ્ટને ક્રોસચેક કરવામાં આવી તો સ્થિતિ બદલાઈ હતી.
બીસીસીઆઈએ એક જેવા નામના કારણે ભ્રમ થયો હતો. કર્ણાટકના ચેતનના એક બોલરની જગ્યાએ સૌરાષ્ટ્રના ચેતન સાકરિયાનું નામ લીસ્ટમાં ભૂલથી સામેલ કરવામ આવ્યું હતું. પરંતુ તે પછી બીસીસીઆઈએ પોતાની આ ભૂલ સુધારી અને ચેતન સાકરિયાનું નામ લીસ્ટમાંથી કાઢી દીધું હતું.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ જયદેવ શાહે આ લીસ્ટમાં થયેલી ભૂલ વિશે જણાવ્યું, ‘આ એક પ્રકારની ભૂલ હતી. સસ્પેક્ટ બોલિંગ એક્શન માટે ક્યારેય ચેતનને બોલાવવામાં આવ્યો નથી. ચેતનનું નામ તે લીસ્ટમાં ન હતું. ત્યાં કર્ણાટકના એક બોલરનું નામ હોવું જોઈતું હતું. આઈપીએલ ફ્રેન્ચાઈઝીસને પણ આ અંગે જાણ કરી દેવામાં આવી છે.’
ચેતન છેલ્લા કેટલાક સમયથી આઈપીએલ રમી રહ્યો છે. તે પહેલા રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો હતો. સારું પ્રદર્શન કર્યા બાદ દિલ્હી કેપિટલ્સની ટીમે તેને આઈપીએલ 2022ની મેગા ઓક્શનમાં 4.20 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જો કે આ તે દિલ્હી માટે વધારે સારું પ્રદર્શન કરી શક્યો ન હતો, તેથી દિલ્હીની ટીમે તેને આ વર્ષે ઓક્શન પહેલા રિલીઝ કરી દીધો હતો. ચેતને દિલ્હીની ટીમમાંથી રિલીઝ થયા બાદ આ વર્ષે યોજાનારી ઓક્શનમાં પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું છે. તેની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા છે.
ચેતન ઉપરાંત તનુષ કોટિયન, ચિરાગ ગાંધી, સલમાન નાઝિર, સૌરભ દુબે અને અર્પિત ગેલેરિયાના નામ પણ બીસીસીઆઈની આ સસ્પેક્ટ બોલિંગ એક્શનની લીસ્ટમાં સામેલ છે. આ સિવાય મનીષ પાંડે અને કે.એલ શ્રીજીથ પર બીસીસીઆઈ દ્વારા બોલિંગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.