હરિદ્વારના કુલીઓની વ્યથા, છોકરા ભણાવવાની શક્તિ નથી, ભણેલા માટે રોજગારી નથી

Spread the love

કુલી તરીકેની કારકિર્દી આવનારી પેઢીઓને પણ સૌંપીને જવી પડે એવી મજબૂરી

હરિદ્વાર

ભારતના યાત્રાધામ હરિદ્વારની વાત આવે એટલે ત્યાંની સકારાત્મક ઊર્જાથી લઈને પવિત્ર ગંગા નદી, ત્યાંના મંદિરો, નદી કિનારે થતી ગંગા આરતી સહિતની ઉજળી છબીઓ સામે તરી આવે. આ નગરીની મુલાકાત દરેક માટે એક સ્વપ્ન સમાન છે. જોકે, તેની આ ઊજળી છબીની પાછળ કેટલીક એવી બાબતો પણ છે કે જે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા તરીકેની સિદ્ધિની વાતો કરતા દેશ માટે કમનસીબ કહી શકાય એવી છે. અહીંના કુલીઓની સ્થિતિ કફોડી છે. તેમણે ભાવી પેઢીને આ વૈતરાનો વ્યવસાય જ વારસામાં આપવા જવો પડે એવી સ્થિતિ છે.

મોટી વયના કુલીઓ

હરિદ્વારના રેલવે સ્ટેશને સામાન સાથે ઊતરીએ એટલે કુલીઓ સ્ટેશન બહાર સુધી સામાન ઊંચકીને લઈ જવા મુસાફરોને ઘેરી વળતા હોય છે. આ કુલીઓને જોઈએ તો મોટો ભાગનીની વય 40 વર્ષથી વધુની જોવા મળતી હોય છે એમાંય 50 ટકાથી વધુની વય તો 50થી ઉપરની હોય એમ જાણવા મળ્યું હતું. આ બાબતે શ્યામ નામના કુલીને પુછતાં તેણે કહ્યું કે મારી વય 62 વર્ષ છે અને મને કુલીનો બેચ મારા પિતાએ આપ્યો હતો. મારે પણ મારો બેચ મારા પુત્રને આપવો પડશે

સ્ટેશન પર ઈલેક્ટ્રિક રીક્ષા

હરિદ્વારમાં દેશ વિદેશથી યાત્રાળુઓ આવતા હોઈ તંત્ર દ્વારા મુસાફરોની સગવડ માટે સ્ટેશન બહાર જવા લિફ્ટ ઉપરાંત પાંચ-સાત મુસાફર અને સામાનને લઈ જઈ શકાય એવી ઈરિક્ષાઓ શરૂ કરવામાં આવી છે. જોકે, આ રિક્ષા અંગે અહીં આવનારા ખૂબજ ઓછા મુસાફરોને જાણ હોય છે. તંત્રનો આ પ્રયાસ આવકાર્ય છે પરંતુ માત્ર બે ઈ-રિક્ષા મુસાફરોના ધસારાને જોતા પુરતી નથી.

કુલીની કારકિર્દી મોટે ભાગે વારસાગત

સ્ટેશન પર કુલી તરીકે કામ કરતા 42 વર્ષના કિશોર નામના કુલીએ કહ્યું કે એ વાત સાચી છે કે કુલી તરીકે હવે કોઈ યુવાન મજબૂરીમાં પણ આવવા તૈયાર ન થાય પરંતુ મોટા ભાગના કુલીને તેમના વારસામાં આ કારકિર્દી મળે છે. બહુ લાંબા સમયથી કોઈ યુવાને નવો બેચ લઈને કુલી તરીકેની કારકિર્દી સ્વિકારી હોય એવું થયું નથી. સ્વભાવિક છે કે યાંત્રિક યુગમાં ભાર ઊંચકવાની કારકિર્દી યુવાનો સ્વિકારે એ શક્ય લાગતું નથી.

ભણાવવાની શક્તિ નથી, ભણેલા માટે રોજી નથી

મનોહર નામના એક કુલીએ કહ્યું કે ભવિષ્યમાં સ્ટેશન પર કુલીઓ રહેશે કે કેમ એ સવાલ છે. તંત્ર દ્વારા ઈલેક્ટ્રિક વાહન સ્ચેશન પર મુકાયાં છે વળી લિફ્ટટની પણ સગવડ કરાઈ છે એવામાં ઓછો સામાન લઈને આવતા પ્રવાસીઓ લિફ્ટનો ઉપયોગ કરે છે જ્યારે કેટલાક ઈલેટ્રિક વાહનની મદદથી સ્ટેશનની બહાર જાય છે. આ સ્થિતિમાં કુલીઓએ કામ માટે વલખાં મારવા પડે છે. આ સ્થિતિમાં કુલી બનવા કોણ તૈયાર થાય. અત્યારે મોટા ભાગના કુલીઓએ મજબૂરીમાં આ વ્યવસાયને વારસામાં સ્વિકારવો પડ્યો છે. ભાવી પેઢીને અભ્યાસ કરાવીને શા માટે અન્ય કારકિર્દી તરફ નથી વાળવામાં આવતા એ બાબતે 67 વર્ષના કુલીનું કહેવું છે કે પ્રવર્તમાન સમયમાં શિક્ષણ પમણ મોંઘું છે. ઊચ્ચ અભ્યાસ તો અમારા શક્તિ બહારનો છે વળી માની લઈએ કે ગમે એમ કરીને છોકરાઓને ભણાવીએ તો પણ એ પછી નોકરી મળતી નથી. અમારી પાસે અમારી આગામી પેઢીને વારસામાં કુલીગીરી આપ્યા સિવાય છુટકો જ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *