માતૃવંદનાઃ અમદાવાદી ભાઈઓએ હરિદ્વારમાં ભાગવદ કથા બેસાડી

Spread the love

જાણીતા કથાકાર જયેન્દ્રભાઈ વ્યાસના વ્યાસપીઠે હરિદ્વારના નારાયણી નિવાસમાં ભાગવદ કથા

હરિદ્વારા

જીવતા માવતરની ઉપેક્ષા કરનારા અને મૃત્યુ બાદ તેમની પાછળ પુણ્યલાભ માટે ધાર્મિક વિધિઓ કરનારા માટે એક ઉદાહરણ સમાન કાર્ય અમદાવાદના ત્રણ ભાઈઓએ કર્યું છે. નવિન-દિલીપ અને રાકેશ પંચાલ નામના આ ભાઈઓ માતા સવિતાબેન રેવનદાસ પંચાલની ઈચ્છા પૂરી કરવા તેમની હાજરીમાં જ ભાગવદ કથા કરાવી રહ્યા છે. જેમાં વિશાળ પંચાલ પરિવારના 125થી વધુ સભ્યો હાજર રહ્યા છે. એટલું જ નહીં ભક્તિના રંગે રંગાયેલા પરિવારે આ કથામાં અમદાવાદના જાણીતા કથાકાર જયેન્દ્રભાઈ વ્યાસને વ્યાસપીઠે બેસાડ્યા છે. સાત દિવસ ચાલનારી કથામાં પંચાલ પરિવાર દ્વારા વિવિધ સંતો-મહંતોનું પણ સન્માન કરવામાં આવશે.

પોથી યાત્રા

ભાગવદ કથાના પ્રથમ દિવસે આકર્ષક પોથી યાત્રાનું ધાર્મિક શ્રદ્ધા સાથે નારાયણી નિવાસમાં આવેલા મહાદેવના મંદિરથી આયોજન કરાયું હતું. પરિવારના સભ્યો તેમના ઊતારાથી વાજતે ગાજતે મંદિરે ગયા અને ત્યાંથી ઢોલના તાલે ભક્તિભાવપૂર્વક પોથીને કથા સ્થળે લઈ આવ્યા. આ દરમિયાન જીવનના આઠ દસકામાં અનેક તકડી છાયંડી જોઈ ચુકેલા સવિતાબહેન ચાલી શકે એમ ન હોઈ વ્હીલ ચેર પર પોથી યાત્રામાં તેમના પરિવારના આ શુભપ્રસંગના સાક્ષી બન્યા હતા.

પૂજા બાદ લાલાની સ્થાપના કરાઈ

કથા શરૂ થાય એ પહેલા પંડિત  યોગેશ શુક્લએ વિધિવત પૂજા કરાવી અને એ પછી લડ્ડુગોપાલ (લાલા)ની સ્થાપના કરાવી. ભાવિકોએ આ પ્રસંગમાં પણ ભાવપૂર્વક ભાગ લીધો.

હનુમાન ચાલીસા સાથે કથાનો પ્રારંભ

નારાયણી નિવાસના વિશાળ હોલમાં પોથીની સ્થાપના બાદ કથાકાર જયેન્દ્રભાઈ વ્યાસ વ્યાસ પીઠે બિરાજ્યા પછી સંગીતના સુરો સાથે હનુમાન ચાલીસાના ગાનથી કથાનો પ્રારંભ કરાવાયો. હાજર શ્રોતાગણે પણ હનુમાન ચાલીસાનું ગાન કર્યું હતું. નીમેષ ત્રિવેદીએ કીબોર્ડની સાથે સુંદર રીતે હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું જ્યારે તેમને તબલા પર અજય ગડિયા અને ટ્રમ્પપેટ પર સંજય મહાજન (ગીરી) એ સાથ આપ્યો હતો

સાધું-સંતોનું સન્માન

ભક્તિભાવને વરેલા પંચાલ પરિવારે આ તકને અવસરમાં પલટવા કેલાક સંતોના સન્માન કરવાનો પણ સંકલ્પ કર્યો હતો. પંચાલ પરિવારના વતન રિદ્રોલ ગામના મહાકાળી માતાના મંદિરના મહંત જયદેવગીરી મહારાજ અને અમદાવાદના બોપલના આદેશ આશ્રમના મહંત શ્રી અજિતનાથજી મહારજનું સવિતાબહેનના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. વ્યાસપીઠે બિરાજમાન જયેન્દ્રભાઈ વ્યાસનું પણ સવિતાબહેને સન્માન કર્યું હતુ.

પુત્રો-પુત્રી-પૂત્રવધુએ સન્માન કરતા માતાની આંખો ભિંજાઈ

માતા-પિતાને એક તરફ રાખવા ભાઈઓ વચ્ચે વિખવાદ થતો હોય એવા સમયમાં પંચાલ ભાઈઓએ કથા સ્થળે માતાનું આદર સાથે સન્માન કર્યું હતું. ત્રણ ભાઈઓ સાથે બે બહેન ગીતા અને પન્ના તો જોડાયા જ પણ પૂત્રવધૂ ગીતા પણ સાસુના સન્માનમાં જોડાઈ અને તેમના આશિર્વાદ લીધા હતા. આ સમયે સવિતાબહેનની આંખો ભિંજાઈ ગઈ હતી.   

કિડની વેચીને પુત્રને ભણાવ્યો, પૂત્રવધૂની ટિપ્પણે બાપે ઘર છોડ્યું

શાસ્ત્રીજીએ કથા દરમિયાન એક સુંદર સત્ય ઘટનાને વાગોળતા કહ્યું કે અમદાવાદના એક વેપારીના પત્નીનું નિધન થયા બાદ પિતાએ પુત્રને ભણાવવા અનેક કષ્ટોનો સામનો કર્યો. એક સમય એવો આવ્યો કે ડૉક્ટરીના અભ્યાસના છેલ્લા તબક્કે 30 હજાર રૂપિયાની જરૂર હતી. પિતાએ અનેક લોકો પાસે હાથ લંબાવ્યા પણ કોઈએ મદદ ન કરી. અંતે એક કિડની વેચીને પુત્રને ડૉક્ટર બનાવ્યો. સારૂં કમાતા ડૉક્ટર પુત્રના લગ્ન પણ કરાવી દીધા. થોડો સમય તો બધું બરોબર ચાલ્યું પણ એક વખત ડૉક્ટરની પત્નીએ તેના પતિને કહ્યું, પિતાને કહો કે ઘરમાં જ્યાં ત્યાં ન ફરે, મને ગમતું નથી. પિતાના સમર્પણને જાણનારો પતિ પિતાને કહી ન શક્યો અને પત્નીને સમજાવી પણ ન શક્યો. આ વાત પિતાના કાને પડી અને તેઓ તેમનો હાથવગો સામાન લઈને ઘર છોડીને અમદાવાદ દેરાસરમાં ચાલ્યા ગયા. દેરાસરમાં મહારાજ સાહેબ વેપારીને ઓળખતા હતા અને તેમણે લાંબો સમય દેરાસરમાં રોકાવા બદલ પુછ્યું. વેપારીના જવાબથી સંતોષ ન થતાં તથા વેપારીની વ્યથાને મોઢા પરથી વાંચી લેનારા મહારાજે વેપારીના મુંબઈ રહેતા પુત્રને પત્ર લખી પત્ની સાથે મુંબઈ તેડાવ્યા. મુંબઈ આવીને વેપારીનો પુત્ર અને તેની પત્ની મહારાજ સાહેબને મળવા આવતા મહારાજ સાહેબે પિતા કેમ છે એ પુછ્તાં પિતા ક્યાંક ચાલ્યા ગયા હોવાનું જણાવ્યું. મહારાજશ્રી એ પુત્રને પિતાએ તેને ડૉક્ટર બનાવવા પોતાની કિડની વેચી હોવાની વાતથી વાકેફ કરતા પુત્ર ગળગળો થઈ ગયો અને તેની પત્નીને પણ તેની ભૂલનો અહેસાસ થતાં બન્ને એ પિતાની માફી માગી અને તેમને ઘરે પાછા લઈ ગયા. આ દ્રષ્ટાંત ટાંકીને શાસ્ત્રીજીએ ગુરૂનો મહિમા વર્ણવ્યો હતો.

માતાની મમતાથી ભાગવતના શ્રવણનો મહિમા

કથા પહેલાંની ધાર્મિક વિધિઓ પૂરી થતાની સાથે જયેન્દ્રભાઈ મહારાજે તેમની આગવી શૈલીમાં કથા શરૂ કરી હતી. માતાની મમતાથી માંડીને ભાગવદના મહિમા સુધીની વાતોમાં એક પછી એક સુંદર વ્યવહારિક દ્રષ્ટાંતોને વણી લઈને મહારાજે શ્રોતાઓને કથા સ્થળે જકડી રાખ્યા. વ્યાસપીઠ પરથી જયેન્દ્રભાઈએ કૌરવ-પાંડવોના યુદ્ધથી લઈને કૃષ્ણની સત્યની સાથે રહેવાની કૂટનીતિનું વર્ણન કરવાની સાથો સાથ એક માત્ર બચેલા પાંડુ પુત્ર પરીક્ષિત રાજાની પણ સોનાથી મતી ભ્રષ્ટ થવાની કથાનું ભાવભાહી વર્ણન કર્યું હતું. અંતે આરતી બાદ પહેલા દિવસની કથાને વિરામ અપાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *