ગાંધીનગર
ધોરણ ૧૨ના પરિણામ પછી મોટા ભાગના વિદ્યાર્થી અને તેમના વાલીને આના પછી એડમીશન ક્યાં લેવું, કઈ કોલેજ પસંદ કરવી, ફીસ કેટલી હશે, આવા ઘણા બધા પ્રશ્નો હોય છે. આવા બધા પ્રશ્નોના જવાબ માટે આ વર્ષે GCAS દ્વારા “વિદ્યાર્થી જાગૃતતા અભિયાન”ની પહેલ કરવામાં આવી છે. ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન અને જીકાસના સહયોગથી “વિધાર્થી જાગૃતતા અભિયાન”નું પ્રથમ સત્ર આજે IITE ખાતે સફળતાપૂર્વક યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમનું મુખ્ય હેતુ ધોરણ 12 પાસ કર્યા બાદ આગળના શૈક્ષણિક અને કારકિર્દી અવસરો શોધી રહેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરૂં પાડવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન GCASના પ્રતિનિધિ અને ગુજરાત સાયન્સ કોલેજના ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર ડૉ. તેજસ જાની તેમજ IITEના નોડલ ઓફિસર કુંજનભાઈ શાહ હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને વિવિધ કોર્સ, પ્રવેશ પ્રક્રિયા અને કારકિર્દી વિકલ્પો અંગે વિસ્તૃત માહિતી આપી અને તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા.આ “વિદ્યાર્થી જાગૃતતા અભિયાન”નું આ પ્રથમ સત્ર હતું અને હવે આ અભિયાન સમગ્ર ગુજરાતમાં વિવિધ કેન્દ્રો પર આયોજિત કરવામાં આવશે, જેથી રાજ્યના વધુમાં વધુ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી શકે.આ પ્રકારના પ્રયત્નો દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય દિશામાં આગળ વધવા માટે પ્રેરણા મળે છે અને તેમના ભવિષ્યને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. સમગ્ર કાર્યક્રમનું સંકલન એકેડેમિક શાખા, આઈ.આઈ.ટી.ઈ દ્વારા કરવામાં આવેલ હતું.
