પર્યાવરણ રક્ષાનો સંકલ્પ: પ્લાસ્ટિકમુક્ત સમાજ માટે બાળકોએ જાતે બનાવી આકર્ષક પેપર બેગ્સ
અમદાવાદ:
આજના ડિજિટલ યુગમાં પર્યાવરણને બચાવવા અને પ્લાસ્ટિકના જોખમી ઉપયોગ સામે જાગૃતિ લાવવા માટે હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) દ્વારા ‘વિશ્વ પેપર દિવસ’ નિમિત્તે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ દિવસે શાળાના ધોરણ ૩ થી ૭ ના વિદ્યાર્થીઓ માટે “પેપર બેગ બનાવવાની સ્પર્ધા” યોજાઈ હતી, જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
જૂની વસ્તુઓમાંથી સર્જનાત્મક અને ઉપયોગી પેપર બેગનું નિર્માણ
સ્પર્ધા દરમિયાન નાના ભૂલકાંઓએ પોતાની કલ્પનાશક્તિ અને સચરાચર બુદ્ધિનો પરિચય આપ્યો હતો. બાળકોએ ઘરની નકામી વસ્તુઓ જેવી કે જૂની કોમ્પેક્ટ ડિસ્ક (CD), કાર્ડબોર્ડ, માચીસના ખોખા, જૂના શૂઝ બોક્સ, માચીસની સળીઓ અને રંગબેરંગી કાગળોનો કુશળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. આ વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુઓ બનાવીને તેમણે અદભુત અને આકર્ષક સુશોભિત પેપર બેગ્સ તૈયાર કરી હતી.
ક્લાઈમેટ ચેન્જ અને પ્રદૂષણ સામે જાગૃતિનો સંદેશ
હાલના સમયમાં સમગ્ર વિશ્વ ક્લાઈમેટ ચેન્જ અને ગંભીર પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા સામેઝઝૂમી રહ્યું છે. આ વૈશ્વિક સમસ્યાને ધ્યાનમાં રાખીને હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓએ સમાજને પ્લાસ્ટિકની થેલીઓનો ત્યાગ કરી કાગળ કે કપડાની બેગ વાપરવા માટેનો સ્પષ્ટ અને સચોટ સંદેશ પાઠવ્યો હતો. શાળાના આ નવતર અભિગમથી વિદ્યાર્થીઓમાં નાની વયથી જ પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની ભાવના ખીલી ઉઠી છે.
