રિલાયન્સ ફાઉન્ડેશન સ્થાપશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’: 5,000થી વધુ લોકોને મળશે આજીવન ઘર

Spread the love

કરજતમાં 100 એકરમાં આકાર લેશે વિશાળ ટાઉનશિપ: અનાથ બાળકો, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે હોસ્પિટલ, શિક્ષણ, પુનર્વસન અને રોજગાર સહિતની વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે

મુંબઈ

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સમાજસેવાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ અને અનોખી પહેલ કરવામાં આવી છે. ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ની સ્થાપનાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મુંબઈ નજીક કરજત ખાતે આશરે 100 એકર જમીનમાં વિશાળ ટાઉનશિપનું નિર્માણ કરવામાં આવશે, જ્યાં અનાથ બાળકો, વરિષ્ઠ નાગરિકો અને જન્મથી દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ સહિત 5,000થી વધુ લોકોને આજીવન ઘર અને સંભાળની સુવિધા પૂરી પાડવામાં આવશે.

નીતા અંબાણીએ પ્રસ્તાવિત સ્થળે ભૂમિપૂજન અને શિલાન્યાસ વિધિ પણ સંપન્ન કરી હતી. આ ટાઉનશિપ એક બિનનફાકારક સંસ્થા તરીકે વિકસાવવામાં આવશે અને તમામ જરૂરી મંજૂરીઓને આધીન તબક્કાવાર તેનું નિર્માણ કરવામાં આવશે.

નીતા અંબાણીની કલ્પના મુજબ આ માત્ર આશ્રયસ્થાન નહીં, પરંતુ પ્રેમ, કરુણા, સુરક્ષા અને આત્મસન્માન સાથે જીવન જીવવાની તક આપતો એક વિશાળ પરિવાર હશે. અહીં રહેતા લોકોને માત્ર તબીબી સારવાર જ નહીં, પરંતુ શિક્ષણ, કૌશલ્ય વિકાસ, રોજગાર, મનોરંજન અને સામાજિક જીવનમાં સહભાગી થવાની તક પણ મળશે.

પરિવારોને મળશે મોટી રાહત, દરેકને મળશે પોતાનું ઘર

આ પ્રોજેક્ટ અંગે નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, તેમના અને તેમના પરિવાર માટે આ પહેલ હૃદયની અત્યંત નજીક છે. ખાસ કરીને એવા માતા-પિતાની ચિંતા દૂર કરવાનો આ પ્રયાસ છે, જેઓ દિવ્યાંગ બાળકોના ભવિષ્યને લઈને હંમેશાં ચિંતિત રહે છે કે તેમના પછી બાળકોની સંભાળ કોણ રાખશે.

તેમણે જણાવ્યું કે, અહીં એવો પરિવાર જેવો માહોલ ઊભો કરવામાં આવશે, જ્યાં તબીબી સહાય અને સંભાળની સાથે હૂંફ, લાગણી અને પોતીકાપણાનો અનુભવ થાય. દરેક વ્યક્તિને શીખવાની, કામ કરવાની, મિત્રો બનાવવાની અને તહેવારોની ઉજવણી કરવાની તક મળશે.

આઠ ગામો, હોસ્પિટલ અને આધુનિક પુનર્વસન કેન્દ્ર

પ્રસ્તાવિત ટાઉનશિપમાં આઠ રહેણાંક ગામો બનાવવામાં આવશે. ભારતની પવિત્ર નદીઓના નામ પરથી આ ગામોનું નામકરણ થશે. દરેક ગામમાં અલગ રંગ, પ્રતીક અને સેન્સરી ગાર્ડન હશે, જેથી દિવ્યાંગ વ્યક્તિઓ સરળતાથી અવરજવર કરી શકે.

અહીં વિશિષ્ટ આરોગ્ય સેવાઓ ધરાવતી હોસ્પિટલ, અદ્યતન પુનર્વસન કેન્દ્ર, ફિઝિયોથેરાપી, સ્પીચ થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી અને હાઇડ્રોથેરાપીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. ઉપરાંત એપિલેપ્સી, સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ અને જટિલ તબીબી પરિસ્થિતિઓ ધરાવતા લોકો માટે વિશેષ સારવારની વ્યવસ્થા કરવામાં આવશે.

દિવ્યાંગ બાળકો માટે વિશેષ શિક્ષણ, રમતગમત, સંગીત, કલા અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે પણ વિશેષ પરિસર બનાવાશે. બેકરી, કાફે અને ક્રાફ્ટ સ્ટુડિયો જેવી વ્યવસાયિક તાલીમ સુવિધાઓ દ્વારા નિવાસીઓને રોજગાર અને આવક મેળવવાની તક મળશે.

15 હજાર લોકોનો સમુદાય બનવાની સંભાવના

આ ટાઉનશિપમાં 5,000થી વધુ લાભાર્થીઓ ઉપરાંત કેરગિવર્સ, તબીબી નિષ્ણાતો, સહાયક કર્મચારીઓ અને તેમના પરિવારોને મળીને આશરે 15,000 લોકોનો સમુદાય વિકસશે તેવી અપેક્ષા છે.

પ્રોજેક્ટમાં વનતારાના સહયોગથી એનિમલ કમ્પેનિયનશિપ ફાર્મ, મંદિર, બગીચા, રમતનાં મેદાનો, ફાર્મ અને સ્મૃતિ ઉપવન પણ બનાવવામાં આવશે. જીવનના અંતિમ તબક્કામાં રહેલા દર્દીઓ માટે વિશેષ હોસ્પાઇસ વિંગની વ્યવસ્થા પણ હશે.

આ ઉપરાંત આસપાસનાં ગામોના લોકોને પણ આ પહેલનો લાભ મળશે. અંદાજે 1,000 સ્થાનિક લોકોને થેરાપી, શિક્ષણ અને રોજગારની તકો મળવાની સંભાવના છે. મોબાઇલ મેડિકલ ક્લિનિક્સ, ફેમિલી રેસ્પાઇટ હોમ્સ અને રાષ્ટ્રીય તાલીમ અકાદમી દ્વારા દિવ્યાંગોની સંભાળ સાથે જોડાયેલા ક્ષેત્રને પણ મજબૂત બનાવવાનો પ્રયાસ કરાશે.

આમ, ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’નો મુખ્ય ઉદ્દેશ્ય એવો સમાજ ઊભો કરવાનો છે, જ્યાં કોઈ વ્યક્તિ એકલતા કે ઉપેક્ષાનો અનુભવ ન કરે અને દરેકને જીવનભર સન્માન, સુરક્ષા તથા પ્રેમ સાથે રહેવા માટે પોતાનું ઘર મળી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *