કર્ણાવતી યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં ભારતીય કોસ્ટ ગાર્ડના DG પરમેશ શિવમણિ ઉપસ્થિત રહ્યા, કોસ્ટ ગાર્ડના જવાનોના સંતાનોના શિક્ષણ માટે MoU

Spread the love

ગાંધીનગરમાં યોજાયેલા પદવીદાન સમારોહમાં પીએચડી સંશોધકો અને વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને ડોક્ટરેટની પદવી તથા ગોલ્ડ મેડલ એનાયત કરાયા; CGWWA અને કર્ણાવતી યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક સહયોગ માટે મહત્વપૂર્ણ કરાર

ગાંધીનગર

કર્ણાવતી યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે યોજાયેલા 7મા પદવીદાન સમારોહમાં ભારતીય કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલ પરમેશ શિવમણિ (AVSM, PTM, TM) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ટાઇમ્સ ગ્રુપનાં એડિટર-ઇન-ચીફ નવિકા કુમાર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે કોસ્ટ ગાર્ડના જવાનો, નિવૃત્ત કર્મચારીઓ અને ફરજ દરમિયાન શહીદ થયેલા કર્મચારીઓનાં સંતાનોના ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કોસ્ટ ગાર્ડ વેલ્ફેર એન્ડ વેલનેસ એસોસિએશન (CGWWA) અને કર્ણાવતી યુનિવર્સિટી વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો હતો.

પદવીદાન સમારોહ દરમિયાન ડિરેક્ટર જનરલ પરમેશ શિવમણિના હસ્તે પીએચડી સંશોધકો તેમજ વિવિધ વિદ્યાશાખામાં અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને ડોક્ટરેટની પદવીઓ અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેમણે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓની મહેનત, સમર્પણ અને સિદ્ધિઓને બિરદાવી હતી. તેમણે વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારજનોને આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં ડિરેક્ટર જનરલ પરમેશ શિવમણિએ યુવાનોને શિસ્ત, પ્રામાણિકતા અને રાષ્ટ્રસેવા જેવા મૂલ્યો જીવનમાં ઉતારવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર વ્યક્તિગત સફળતાનું માધ્યમ નથી, પરંતુ દેશના વિકાસ અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાનું પણ એક મહત્વપૂર્ણ સાધન છે. યુવા પેઢીએ પોતાની શૈક્ષણિક સિદ્ધિઓનો ઉપયોગ સમાજ અને દેશની પ્રગતિ માટે કરવો જોઈએ તેવો સંદેશ પણ તેમણે આપ્યો હતો.

કોસ્ટ ગાર્ડના જવાનોના સંતાનોને ઉચ્ચ શિક્ષણની તક

સમારોહનું મુખ્ય આકર્ષણ CGWWA અને કર્ણાવતી યુનિવર્સિટી વચ્ચે થયેલો MoU રહ્યો હતો. આ કરાર પર તટરક્ષિકા (Tatrakshika)નાં પ્રમુખ પ્રિયા પરમેશ અને કર્ણાવતી યુનિવર્સિટીના પ્રમુખ રીતેશ હડાએ હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે કોસ્ટ ગાર્ડના વરિષ્ઠ અધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમજૂતીનો મુખ્ય હેતુ ભારતીય કોસ્ટ ગાર્ડમાં હાલ ફરજ બજાવતા, નિવૃત્ત થયેલા તેમજ ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કર્મચારીઓનાં સંતાનોની શૈક્ષણિક આકાંક્ષાઓને સાકાર કરવામાં સહયોગ આપવાનો છે. MoU અંતર્ગત આ તમામ વર્ગના કર્મચારીઓનાં સંતાનોને કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા વિવિધ શૈક્ષણિક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરવાની તક મળશે. તેના પરિણામે તેમને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં મદદ મળશે અને ભવિષ્યમાં કારકિર્દી ઘડવાની નવી તકો ઉપલબ્ધ થશે.

પરિવાર કલ્યાણને કોસ્ટ ગાર્ડની પ્રાથમિકતા

આ સહયોગ દર્શાવે છે કે દેશની દરિયાઈ સરહદો અને દરિયાઈ હિતોની સુરક્ષામાં સતત કાર્યરત કોસ્ટ ગાર્ડના જવાનોની પાછળ તેમનો પરિવાર મજબૂત આધારસ્તંભ બનીને ઊભો રહે છે. કર્મચારીઓના પરિવારજનોનું કલ્યાણ જવાનોનું મનોબળ જાળવવા અને તેમની કાર્યક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કર્ણાવતી યુનિવર્સિટીએ ભારતીય કોસ્ટ ગાર્ડ સાથે આ ભાગીદારી બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું. યુનિવર્સિટીએ કોસ્ટ ગાર્ડ પરિવારની નવી પેઢીને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે યોગ્ય તકો પૂરી પાડવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ સમગ્ર કાર્યક્રમ ભારતીય કોસ્ટ ગાર્ડની રાષ્ટ્રસેવા સાથે કર્મચારીઓ, નિવૃત્ત જવાનો અને તેમના પરિવારોના કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. દેશની દરિયાઈ સુરક્ષા માટે સમર્પિત જવાનો અને તેમના પરિવારજનોને દરેક તબક્કે સહયોગ મળે તે દિશામાં આ MoU એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *