હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે 32 બોલમાં 61 રનની તોફાની ઈનિંગ રમી; વર્ષ 2026માં 37 મેચોમાં 1220 રન બનાવી વિશ્વ સ્તરે ચોથા ક્રમે પહોંચ્યો
હેમિલ્ટન:
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે રમાયેલી પાંચમી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર-બેટર ઈશાન કિશને એક નવો ઈતિહાસ રચી દીધો છે. ઈશાને મેચ દરમિયાન ધમાકેદાર બેટિંગ કરતાં એક કેલેન્ડર વર્ષમાં આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાનો મહત્ત્વપૂર્ણ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
સૂર્યકુમાર યાદવનો 2022નો રેકોર્ડ ધરાશાયી
ઈશાન કિશને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં માત્ર 32 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 61 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ રન સાથે જ તેણે આ કેલેન્ડર વર્ષ (2026) માં પોતાની 37 મેચોની 37 ઈનિંગ્સમાં કુલ 1220 રન પૂરા કરી લીધા છે. આ સાથે જ તેણે સૂર્યકુમાર યાદવના નામે રહેલો વર્ષ 2022નો રેકોર્ડ તોડી નાખ્યો છે. સૂર્યાએ 2022માં 31 મેચોમાં 1164 રન બનાવ્યા હતા.
વર્ષ 2026માં ભારતીય ક્રિકેટરો તરફથી પણ બહતર પ્રદર્શન જોવા મળ્યું છે. અભિષેક શર્માએ આ વર્ષે 39 મેચોમાં 1153 રન બનાવ્યા છે, જ્યારે સંજૂ સેમસને 30 મેચોમાં 810 રન નોંધાવ્યા છે.
વિશ્વ સ્તરે ચોથા ક્રમે પહોંચ્યો ઈશાન
આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ઈશાન કિશન હવે વિશ્વમાં ચોથા નંબરે આવી ગયો છે.
- કરનબીર સિંહ (ઓસ્ટ્રિયા): 1488 રન (2025, 32 મેચ) – વિશ્વ રેકોર્ડ
- મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન): 1326 રન (2021, 29 મેચ)
- ફિયાઝ અહમદ: 1251 રન (2025, 40 મેચ)
- ઈશાન કિશન (ભારત): 1220 રન (2026, 37 મેચ)
2000 T20I રન અને ICC રેન્કિંગમાં નંબર-2
ઈશાન કિશન હાલમાં ICC T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં વિશ્વનો બીજા નંબરનો બેટ્સમેન છે. હેમિલ્ટન મેચ દરમિયાન તેણે પોતાના T20 આંતરરાષ્ટ્રીય કરિયરના 2000 રન પણ પૂરા કર્યા છે. ઈશાને 69 ઈનિંગ્સમાં 14 અડધી સદી અને 1 સદીની મદદથી 2000 રનનો આંકડો સ્પર્શ્યો છે.
તે જ સમયે, ભારતીય બેટર અભિષેક શર્મા ભારત માટે સૌથી ઓછા 1024 બોલમાં 2000 T20I રન બનાવનારો સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં સૂર્યકુમાર યાદવ (1164 બોલ) બીજા ક્રમે અને ઈશાન કિશન (1345 બોલ) ત્રીજા ક્રમે સ્થિત છે.
ઈશાન કિશનની આ રેકોર્ડબ્રેક ઈનિંગ બાદ ભારતીય ક્રિકેટ ચાહકોમાં ખુશીનો માહોલ છે અને આગામી મેચોમાં પણ તેની પાસેથી આવા જ શ્રેષ્ઠ પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે.
