ગાંધીધામ
આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ક્ષેત્રે ગુજરાતના યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ચેન્નાઈ ખાતે 23થી 26 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી WTT યૂથ કન્ટેન્ડર ચેન્નાઈ 2026 ટેબલ ટેનિસ સ્પર્ધામાં રાજકોટના પ્રતિભાશાળી ખેલાડી દેવ ભટ્ટે બોયઝ અંડર-13 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. જ્યારે કચ્છના 10 વર્ષીય ખેલાડી રેહાંશ સિંઘવીએ બોયઝ અંડર-11 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો.
તમિલનાડુ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓથોરિટીના ઉપક્રમે આયોજિત આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિવિધ દેશોના યુવા ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાં દેવ ભટ્ટે શાનદાર રમતનું પ્રદર્શન કરીને ટોચનું સ્થાન મેળવ્યું હતું.

ફાઇનલમાં પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ દેવનું શાનદાર પુનરાગમન
બોયઝ અંડર-13 કેટેગરીની ફાઇનલમાં દેવ ભટ્ટનો મુકાબલો મલેશિયાના કોહ વેઈ યોવ સાથે થયો હતો. ફાઇનલની પ્રથમ ગેમમાં દેવને 6-11થી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ત્યારબાદ તેણે જોરદાર વાપસી કરીને સતત ત્રણ ગેમ જીતી લીધી હતી. દેવે 11-9, 11-8 અને 11-6ના સ્કોર સાથે 3-1થી ફાઇનલ જીતીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
દેવ ભટ્ટ માટે વર્ષ 2026માં આ બીજું WTT યૂથ કન્ટેન્ડર ટાઇટલ છે. આ અગાઉ જાન્યુઆરી 2026માં વડોદરા ખાતે યોજાયેલી સ્પર્ધામાં પણ તેણે પ્રથમ સ્થાન મેળવીને પોતાનો પહેલો WTT યૂથ કન્ટેન્ડર ખિતાબ જીત્યો હતો.
ફાઇનલ સુધીની સફરમાં દેવે ભારતના તનીષ હેમંત અને આરિવ દત્તા ઉપરાંત શ્રીલંકાના પિટિયાગે સિલ્વા તથા મલેશિયાના અખિલ રામકૃષ્ણનને પરાજય આપીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી.
દેવ ભટ્ટે માત્ર સિંગલ્સમાં જ નહીં, પરંતુ ડબલ્સમાં પણ સફળતા મેળવી હતી. દિવિજા પોલ સાથે જોડી બનાવીને તેણે અંડર-15 મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આમ, આ સ્પર્ધામાં દેવ ભટ્ટે એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ સહિત બે મેડલ મેળવ્યા હતા.
રેહાંશ સિંઘવીનો સતત બીજો WTT બ્રોન્ઝ મેડલ
ગુજરાતના અન્ય ઉભરતા ખેલાડી કચ્છના રેહાંશ સિંઘવીએ પણ બોયઝ અંડર-11 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને નોંધપાત્ર સફળતા મેળવી હતી. માત્ર 10 વર્ષનો રેહાંશ વિદેશી કોચ યિન વેઈના માર્ગદર્શન હેઠળ સુરતની SAG તાપી વેલી ટેબલ ટેનિસ એકેડેમીમાં તાલીમ લઈ રહ્યો છે.
રેહાંશે ટુર્નામેન્ટ દરમિયાન પ્રભાવશાળી રમત દર્શાવી હતી. પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં તેણે ત્રિશાંજીત ઘોષને 3-1થી અને ક્વાર્ટર ફાઇનલમાં ઈશાન કોલાસોને 3-1થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
જોકે, સેમિફાઇનલમાં ભારતના શ્રાવિલ કરાંબેલકર સામે રેહાંશને 1-3થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે તેની ફાઇનલમાં પહોંચવાની આશા પર પૂર્ણવિરામ મુકાયું હતું અને તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
ખાસ વાત એ છે કે WTT યૂથ કન્ટેન્ડર સ્પર્ધામાં રેહાંશનો આ સતત બીજો બ્રોન્ઝ મેડલ છે. આ અગાઉ જાન્યુઆરી 2026માં વડોદરા ખાતે યોજાયેલી સ્પર્ધામાં પણ તે સેમિફાઇનલમાં શ્રાવિલ કરાંબેલકર સામે પરાજિત થયો હતો અને ત્રીજા સ્થાને રહ્યો હતો.
GSTTA પ્રમુખે બંને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (GSTTA)ના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ આંતરરાષ્ટ્રીય મંચ પર દેવ ભટ્ટ અને રેહાંશ સિંઘવીના શાનદાર પ્રદર્શન બદલ બંને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
