મકરબા-કોર્પોરેટ રોડ બ્રિજના ચાર રસ્તે ટ્રાફિક સિગ્નલ લગાવવાની કામગીરી શરૂ

Spread the love

લાંબા સમયથી સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો આવશે અંત; વાહનચાલકોને 200 મીટરના વધારાના ફેરામાંથી મળશે મુક્તિ, અકસ્માતનું જોખમ પણ ઘટશે

અમદાવાદ:

અમદાવાદના મકરબાથી કોર્પોરેટ રોડને જોડતા ઓવરબ્રિજ પર લાંબા સમયથી સર્જાતી ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે આખરે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજના કોર્પોરેટ રોડ તરફ આવેલા ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ લગાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વાહનચાલકોને 200 મીટરનો વધારાનો ફેરો મારવામાંથી મુક્તિ મળશે અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સરળ બનવાની આશા છે.

મકરબા-કોર્પોરેટ રોડ ઓવરબ્રિજ શરૂ થયો ત્યારથી જ તેની ડિઝાઇન અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને વિવાદો ઊભા થયા હતા. બ્રિજ કોર્પોરેટ રોડના ચાર રસ્તા પાસે જ પૂરો થતો હોવાથી અહીં વાહનોની અવરજવરમાં મુશ્કેલી સર્જાતી હતી. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન ટ્રાફિકજામની સ્થિતિ ઊભી થતી હતી. આ ઉપરાંત યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાના અભાવે અકસ્માતની સંભાવનાઓ પણ વધી રહી હતી.

પોલીસની રજૂઆત છતાં શરૂઆતમાં નિર્ણય લેવાયો નહોતો

મળતી માહિતી મુજબ, બ્રિજ શરૂ થયો તે જ દિવસે પોલીસ વિભાગ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સમક્ષ આ ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ લગાવવાની લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પોલીસનું માનવું હતું કે સિગ્નલ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો વાહનોની અવરજવર નિયંત્રિત થઈ શકે અને નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે.

જોકે, શરૂઆતમાં આ રજૂઆત પર યોગ્ય કાર્યવાહી ન થતાં બ્રિજ શરૂ થયા બાદ જ ટ્રાફિકની સમસ્યા વકરી હતી. ભારે ટ્રાફિકજામ અને વાહનચાલકોની મુશ્કેલીઓને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ, રાજકીય આગેવાનો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓએ પણ સ્થળ પર દોડી જવું પડ્યું હતું.

કેપ્સુલ સિસ્ટમથી વાહનચાલકોને 200 મીટરનો ફેરો

અકસ્મતનું જોખમ ઘટાડવા અને ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક ધોરણે અહીં ‘કેપ્સુલ સિસ્ટમ’ અમલી બનાવવામાં આવી હતી. જોકે, આ વ્યવસ્થાના કારણે પ્રહલાદનગર તરફ જવા ઇચ્છતા વાહનચાલકોએ અંદાજે 200 મીટરનો વધારાનો ફેરો મારવો પડતો હતો. પરિણામે વાહનચાલકોમાં નારાજગી જોવા મળતી હતી અને ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ મળ્યો નહોતો.

3થી 4 વખત રજૂઆત બાદ આખરે કામગીરી શરૂ

સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ વિભાગ દ્વારા બ્રિજ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ત્રણથી ચાર વખત મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ-અલગ અધિકારીઓ સમક્ષ મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં લાંબા સમય સુધી સિગ્નલ લગાવવાનો નિર્ણય અમલમાં આવ્યો નહોતો. આ મુદ્દે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊઠતા રહ્યા હતા. હવે સતત રજૂઆતો અને વિવાદો બાદ ચાર રસ્તા પર સિગ્નલ લગાવવાની કામગીરી શરૂ થતાં વાહનચાલકોને રાહત મળવાની આશા જાગી છે.

30 ઓક્ટોબરે સામાન ઉતારી કામગીરી શરૂ કરાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ અંગે જણાવ્યું હતું કે, શુક્રવાર, 30 ઓક્ટોબરના રોજ સ્થળ પર સિગ્નલ લગાવવા માટે જરૂરી સામાન ઉતારી દેવામાં આવ્યો છે અને કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આગામી થોડા સમયમાં કામ પૂર્ણ થયા બાદ અહીં ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ વિધિવત રીતે કાર્યરત કરવામાં આવશે.

આ સિગ્નલ વ્યવસ્થા શરૂ થયા બાદ મકરબા-કોર્પોરેટ રોડ ચાર રસ્તા પર વાહનોની અવરજવર વધુ વ્યવસ્થિત બનશે, ટ્રાફિકજામમાં ઘટાડો થશે અને વાહનચાલકોને બિનજરૂરી ફેરા મારવામાંથી રાહત મળશે. સાથે જ અકસ્માતની સંભાવનાઓ ઘટાડવામાં પણ મદદ મળશે. હવે આ કામગીરી સમયસર પૂર્ણ થઈને સિગ્નલ વ્યવસ્થા ક્યારે કાર્યરત થાય છે તેના પર વાહનચાલકોની નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *