બિયર પીધા બાદ મિત્રો સાથે ગોધાવી જવા નીકળેલા યુવકની બેફામ ડ્રાઇવિંગથી સર્જાયો ગમખ્વાર અકસ્માત; 42 વર્ષીય અશોકભાઈ ઢાકરેનું ઘટનાસ્થળે જ મોત, અન્ય મિત્રો ગંભીર ઈજાગ્રસ્ત
અમદાવાદ:
અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર નશાખોરી અને બેફામ ડ્રાઇવિંગના કારણે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઓગણજથી ભાડજ તરફ જવાના માર્ગે વહેલી સવારે પૂરઝડપે દોડી રહેલી અર્ટિગા કાર આગળ જતી ટ્રક પાછળ ઘૂસી જતાં એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસ ફરિયાદમાં સામે આવેલી વિગતો મુજબ, કારચાલકે મિત્રો સાથે બિયર પીધા બાદ નશાની હાલતમાં કાર ચલાવી હતી.
બાપુનગરમાં બિયર પાર્ટી બાદ ગોધાવી જવા નીકળ્યા
પોલીસ ફરિયાદ અનુસાર, ફરિયાદી પ્રેમ દિલીપભાઈ ભદોરિયા અને તેમના મિત્રો એકઠા થયા હતા. આ દરમિયાન તમામ મિત્રોએ સાથે મળીને બિયર પીધો હતો. ત્યારબાદ કારચાલક ભગીરથસિંહ ઝાલા, જે મૂળ ગોધાવીનો રહેવાસી છે, તે મિત્રો સાથે અર્ટિગા કારમાં બાપુનગરથી ગોધાવી જવા નીકળ્યો હતો.
ગોકુલ હોટેલ કટ પાસે કાર ટ્રક પાછળ ઘૂસી
વહેલી સવારે આશરે 3:45 વાગ્યે અર્ટિગા કાર (નંબર GJ 1 MT 0928) ઓગણજથી ભાડજ તરફના એસ.પી. રિંગ રોડ પર ગોકુલ હોટેલના કટ પાસેથી પસાર થઈ રહી હતી. આ સમયે કારચાલક ભગીરથસિંહ ઝાલા પૂરઝડપે અને બેદરકારીપૂર્વક કાર ચલાવી રહ્યો હતો. વળાંક પાસે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર આગળ જઈ રહેલી ટ્રકના પાછળના ભાગમાં ધડાકાભેર અથડાઈ હતી.
42 વર્ષીય અશોકભાઈનું ઘટનાસ્થળે જ મોત
અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ 42 વર્ષીય અશોકભાઈ ઢાકરેને મૃત જાહેર કર્યા હતા. અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ
અશોકભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. બીજી તરફ, પોલીસ દ્વારા અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાસ્થળની તપાસ અને હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોનાં નિવેદનો સહિતની વધુ તપાસ ચાલી રહી છે. નશાની હાલતમાં વાહન ચલાવવાની ગંભીર બેદરકારીના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવતાં ફરી એકવાર માર્ગ સલામતી અને દારૂ પીને ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહીની જરૂરિયાત ઊભી થઈ છે.
