46મી GSRSA રોલર સ્કેટિંગ સ્પર્ધા-2026માં એકેડમીના સાત ખેલાડીઓની શાનદાર સિદ્ધિ; બે ગોલ્ડ, 10 સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા
અમદાવાદ
અમદાવાદની અદાણી સ્પોર્ટ્સલાઇન સ્પીડસ્કેટિંગ એકેડમીએ રમતગમત ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદની DPS સ્કૂલ ખાતે 9થી 15 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી 46મી GSRSA રોલર સ્કેટિંગ સ્પર્ધા-2026માં એકેડમીના સાત ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કુલ 15 મેડલ જીત્યા છે. જેમાં બે ગોલ્ડ, 10 સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ખેલાડીઓની આ સફળતાથી એકેડમી સહિત સમગ્ર રમતજગતમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
પાર્થ અને પ્રશાંશ શાહે ગોલ્ડ મેડલ જીત્યા
સ્પર્ધામાં અંડર-15થી 18 વર્ષના ક્વાડ કેટેગરીમાં પાર્થ શાહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે રિંક 1000 મીટર ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત રોડ 1 લેપ અને રિંક 500 મીટર પ્લસ ડિસ્ટન્સ ઇવેન્ટમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને કુલ ત્રણ મેડલ પોતાના નામે કર્યા હતા.
તેવી જ રીતે અંડર-6 બોયઝ ઇનલાઇન કેટેગરીમાં પ્રશાંશ શાહે પણ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. તેણે રિંક 2 લેપ્સ પ્લસ ડિસ્ટન્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અને રિંક 1 લેપ પ્લસ ડિસ્ટન્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવીને એકેડમીની મેડલ સંખ્યામાં વધારો કર્યો હતો.
કાશ્વી અને ભક્તિએ ત્રણ-ત્રણ સિલ્વર મેડલ જીત્યા
અંડર-15થી 18 વર્ષની ગર્લ્સ ક્વાડ કેટેગરીમાં કાશ્વી પંચાલે ત્રણ ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ત્રણ સિલ્વર મેડલ જીત્યા હતા. તેણે રિંક 500 મીટર પ્લસ ડિસ્ટન્સ, રિંક 1000 મીટર અને રોડ 3000 મીટર ઇવેન્ટમાં બીજું સ્થાન મેળવ્યું હતું.
એ જ રીતે 18 વર્ષથી વધુ વયની ગર્લ્સ ઇનલાઇન કેટેગરીમાં ભક્તિ કંધારે પણ ત્રણ સિલ્વર મેડલ જીતવાની સિદ્ધિ મેળવી હતી. તેણે રિંક પોઇન્ટ ટુ પોઇન્ટ (5 કિમી), રોડ પોઇન્ટ ટુ પોઇન્ટ (10 કિમી) અને મિક્સ્ડ રિલે ઇવેન્ટમાં મેડલ મેળવ્યા હતા.
શ્લોક, નક્ષ અને આર્યાનું પણ શાનદાર પ્રદર્શન
અંડર-15થી 18 વર્ષના બોયઝ ક્વાડ કેટેગરીમાં શ્લોક શાહે રિંક 1000 મીટર અને રોડ 3000 મીટર ઇવેન્ટમાં બે સિલ્વર મેડલ જીત્યા હતા.
અંડર-8થી 10 વર્ષના બોયઝ ઇનલાઇન કેટેગરીમાં નક્ષ પ્રજાપતિએ રિંક 1000 મીટર ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. જ્યારે આ જ વયજૂથની ગર્લ્સ ઇનલાઇન કેટેગરીમાં આર્યા તિબ્રેવાલાએ રિંક 1 લેપ પ્લસ ડિસ્ટન્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને એકેડમીની સફળતામાં વધુ એક મેડલ ઉમેર્યો હતો.
ખેલાડીઓની મહેનત અને શિસ્તનું પરિણામ: સંજય અડેસરા
અદાણી સ્પોર્ટ્સલાઇનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય અડેસરાએ ખેલાડીઓની આ સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ મેડલ દરેક તાલીમ સત્રમાં ખેલાડીઓ દ્વારા દર્શાવવામાં આવતી શિસ્ત, સતત મહેનત અને પ્રતિબદ્ધતાનું પરિણામ છે. અંડર-6ના સૌથી નાની વયના ખેલાડીઓથી લઈને લાંબા અંતરની સ્પર્ધાઓમાં ભાગ લેનારા સિનિયર સ્કેટર્સ સુધી દરેક ખેલાડીએ પોતાની ક્ષમતા સાબિત કરી છે.


