રેલવે બોર્ડે નિયમોમાં કર્યો મહત્વનો સુધારો; તફાવતનું ભાડું ચૂકવીને પ્રીમિયમ ટ્રેનોમાં મંજૂર શ્રેણીથી ઉપરના ક્લાસમાં મુસાફરી કરવાની મળી મંજૂરી
અમદાવાદ: રેલવે કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ અને વિધવા પાસધારકો માટે રેલવે મંત્રાલય દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રેલવેના વિવિધ પાસધારકો રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી દેશની પ્રીમિયમ ટ્રેનોમાં પણ પોતાના પાસમાં મંજૂર થયેલી શ્રેણી કરતાં ઊંચી શ્રેણી (Higher Class)માં મુસાફરી કરી શકશે. આ માટે તેમણે માત્ર બંને શ્રેણીઓ વચ્ચેના ભાડાનો તફાવત ચૂકવવાનો રહેશે.
30મી ઓક્ટોબરે રેલવે બોર્ડે જાહેર કરી મહત્વની સ્પષ્ટતા રેલવે બોર્ડ દ્વારા 30મી ઓક્ટોબરે આ અંગે એક સ્પષ્ટ આદેશ અને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. રેલવે સેવક પાસ નિયમો, 1986 હેઠળ અત્યાર સુધી સામાન્ય મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં પાસ પર મંજૂર શ્રેણી કરતાં ઉપરના ક્લાસમાં મુસાફરી કરવા માટે ભાડાનો તફાવત ચૂકવીને ટિકિટ બુક કરાવવાની સુવિધા મળતી હતી. પરંતુ રાજધાની, દુરંતો અને શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનોમાં આ સુવિધા અંગે અસ્પષ્ટતા હતી.
રેલવે બોર્ડે હવે સ્પષ્ટ કર્યું છે કે રેલવે સેવક પાસ નિયમો, 1986ના શેડ્યૂલ-2ના નિયમ 3(X) હેઠળ ભાડાનો તફાવત ચૂકવીને ઊંચી શ્રેણીમાં સફર કરવાની આ જોગવાઈ તમામ પ્રીમિયમ ટ્રેનો પર પણ સમાન રીતે લાગુ થશે.
કોને કોને મળશે આ સુવિધાનો લાભ? આ નવા નિયમનો લાભ નીચે મુજબના પાસધારકોને મળશે:
- પ્રિવિલેજ પાસ (Privilege Pass – PP): વર્તમાન રેલવે કર્મચારીઓને મળતા પાસ.
- પોસ્ટ રિટાયરમેન્ટ કોમ્પ્લિમેન્ટરી પાસ (Post Retirement Complimentary Pass – PRCP): નિવૃત્ત રેલવે કર્મચારીઓને મળતા પાસ.
- વિધવા પાસ (Widow Pass – WP): દિવંગત કર્મચારીઓના આશ્રિતો/વિધવાઓને મળતા પાસ.
જો કોઈ પાસધારક પાસે થર્ડ એસી (3A)નો પાસ હોય અને તેઓ સેકન્ડ એસી (2A) કે ફર્સ્ટ એસી (1A)માં મુસાફરી કરવા માંગતા હોય, તો તેમણે હવે આખી ટિકિટનું પૂરું ભાડું ચૂકવવાની જરૂર રહેશે નહીં. તેઓ માત્ર થર્ડ એસી અને ઊંચી શ્રેણી વચ્ચેના તફાવતની રકમ ચૂકવીને સરળતાથી પ્રીમિયમ ટ્રેનોમાં રિઝર્વેશન મેળવી શકશે.
સિસ્ટમમાં તાત્કાલિક ફેરફાર કરવા CRISને સૂચના આ નિર્ણયને જમીની સ્તરે તાત્કાલિક અમલી બનાવવા માટે રેલવે બોર્ડે સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ (CRIS)ને જરૂરી દિશાનિર્દેશ આપી દીધા છે. CRIS દ્વારા પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ (HRMS)ના ઈ-પાસ (e-Pass) મોડ્યુલમાં જરૂરી ટેકનિકલ સુધારા કરવામાં આવી રહ્યા છે. આ અપડેટ પૂર્ણ થતાં જ પાસધારકો ઓનલાઈન આઈઆરસીટીસી (IRCTC) વેબસાઈટ/એપ પરથી તેમજ રિઝર્વેશન કાઉન્ટર પરથી તફાવતનું ભાડું ચૂકવીને ઊંચી શ્રેણીમાં ટિકિટ બુક કરી શકશે.
નાણાં વિભાગની સંમતિથી લેવાયો નિર્ણય રેલવે બોર્ડે આ નિર્ણય રેલવે મંત્રાલયના નાણાં વિભાગની સંપૂર્ણ સંમતિથી લીધો છે. આ નિર્ણયથી લાખો રેલવે કર્મચારીઓ, પેન્શનરો અને તેમના પરિવારજનોને મુસાફરી દરમિયાન વધુ સુવિધા અને વિકલ્પો મળશે. વિશેષ કરીને તહેવારો અને વેકેશનના સમયમાં જ્યારે નીચલી શ્રેણીમાં કન્ફર્મ સીટ ન મળતી હોય ત્યારે તફાવતનું ભાડું ચૂકવીને ઊંચી શ્રેણીમાં પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરી કરવાનો માર્ગ મોકળો બન્યો છે.
