નવી દિલ્હી
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ફરી એકવાર ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહારની ઘટના સામે આવી છે. એર ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, 29 મેના રોજ અમારી ફ્લાઈટ એઆઈ882માં એક મુસાફરે ગેરવર્તન કર્યું હતુ. આરોપી પેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર કર્યો અને પછી તેમાંથી એક પર હુમલો પણ કર્યો હતો. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ પેસેન્જરે આક્રમક વર્તન કરવાનું ચાલુ રાખ્યું હતું અને તેને સુરક્ષા કર્મચારીઓને સોંપવામાં આવ્યો હતો.
વધુમાં એર ઈન્ડિયાએ કહ્યું કે, અમે રેગ્યુલેટરને પણ ઘટના અંગે જાણ કરી છે. આ પહેલા પણ એપ્રિલ મહિનામાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મુસાફરે ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તન કર્યું હતું. 10 એપ્રિલે દિલ્હી-લંડન ફ્લાઈટમાં એક મુસાફરે બે મહિલા કેબિન ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તન કર્યું હતું. આ ઘટના બાદ એરલાઈને આરોપી વ્યક્તિ પર બે વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો હતો.
એર ઈન્ડિયાના કેબિન ક્રૂ સુપરવાઈઝરની ફરિયાદ પર પોલીસે પંજાબના આરોપી મુસાફર જસકીરત સિંહ પદ્દા (25) વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ફ્લાઇટમાં ગેરવર્તણૂકના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. મુસાફરો પર યુરિન કરવાના પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. મહત્વનું છે કે, 11 મેના રોજ, દિલ્હી-કોલકાતા ઈન્ડિગોની ફ્લાઈટમાં નશાની હાલતમાં એક મહિલા પેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર કર્યો હતો.
આરોપી મહિલાને કોલકાતા એરપોર્ટ પર સીઆઈએસએફને સોંપવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેસેન્જરનું નામ પરમજીત કૌર હતું અને ક્રૂ મેમ્બર્સ અને સાથી યાત્રીઓએ તેને નશાની હાલતમાં મળી હતી. તેણે ક્રૂ તેમજ અન્ય મુસાફરો સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. પ્લેન એરપોર્ટ પર ઉતર્યા બાદ સીઆઈએસએફના જવાનોએ આરોપી મુસાફરને કસ્ટડીમાં લીધો હતો.