સેમિફાઇનલમાં બાંગ્લાદેશ સામેના વિજય બાદ ભારતીય ટીમની તૈયારીઓ અંગે સુકાની સુરજિત સિંહ સાથે ખાસ મુલાકાત; શ્રીલંકા હોય કે કેન્યા, ફાઇનલમાં ભારતનું લક્ષ્ય માત્ર ગોલ્ડ મેડલ
અમદાવાદ:
કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-2026માં ભારતીય પુરુષ કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન સાથે ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યા બાદ હવે સમગ્ર ટીમની નજર સુવર્ણ પદક પર છે. બાંગ્લાદેશ સામે સેમિફાઇનલમાં વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમના સુકાની સુરજિત સિંહે ફાઇનલ મુકાબલા પહેલાં ટીમનો આત્મવિશ્વાસ, તૈયારીઓ, રણનીતિ અને ભારતીય કબડ્ડીના ભવિષ્ય અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ફાઇનલમાં સામે શ્રીલંકાની ટીમ હોય કે કેન્યાની, ભારતીય ટીમનું એકમાત્ર લક્ષ્ય દેશ માટે સુવર્ણ પદક જીતવાનું છે.
ફાઇનલમાં માત્ર ગોલ્ડ મેડલનું લક્ષ્ય
સેમિફાઇનલમાં વિજય મેળવ્યા બાદ ટીમની તૈયારીઓ અંગે વાત કરતાં સુરજિત સિંહે જણાવ્યું હતું કે, સેમિફાઇનલની જીત હવે ભૂતકાળ બની ગઈ છે અને અમારું સંપૂર્ણ ધ્યાન ફાઇનલ પર કેન્દ્રિત છે. ફાઇનલમાં શ્રીલંકા કે કેન્યા પૈકી જે પણ ટીમ સામે આવશે, અમે સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરીશું. અમારું એક જ વિઝન અને લક્ષ્ય છે કે ભારત માટે સુવર્ણ પદક જીતવો.
દરેક ટીમને મજબૂત પ્રતિસ્પર્ધી માનીએ છીએ
ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. કેટલીક મેચોમાં ભારતનો વિજય એકતરફી રહ્યો હોવા છતાં કઈ ટીમ સૌથી વધુ પડકારરૂપ રહી તેવા સવાલના જવાબમાં સુરજિત સિંહે જણાવ્યું હતું કે, ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહેલી તમામ ટીમો સારી છે. દરેક ટીમ પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરે છે. કબડ્ડીમાં જે દિવસે મેદાન પર જે ટીમ વધુ સારું પ્રદર્શન કરે છે, તે જ વિજેતા બને છે. અમારા માટે સૌથી મહત્ત્વની બાબત એ છે કે અમે વિરોધી ટીમ કરતાં વધુ આપણી રમત પર ધ્યાન આપીએ અને પોતાની ક્ષમતા પ્રમાણે શ્રેષ્ઠ પ્રદર્શન કરીએ.
કોચની સૂચના, દબાણ વિના રમવાની રણનીતિ
ફાઇનલ માટેની રણનીતિ અંગે તેમણે જણાવ્યું હતું કે, વિરોધી ટીમ નક્કી થયા બાદ તેની રમત અને તાકાતને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરવામાં આવશે. જો ફાઇનલમાં કેન્યા સામે મુકાબલો થશે તો તે મુજબ અને શ્રીલંકા સામે રમવાનું થશે તો તેના અનુરૂપ વ્યૂહરચના તૈયાર કરાશે. ટીમના કોચ મનજીત સર અને ઉદય સર તરફથી ખેલાડીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈપણ પ્રકારનું દબાણ લીધા વિના પોતાની મૂળ રમત રમવી. ખેલાડીઓએ મેદાનમાં પોતાની કુદરતી રમત અને ક્ષમતાનો ઉપયોગ કરવાનો છે.
દરેક ખેલાડીને સમાન તક, ભારતની તમામ ટીમો મજબૂત
ભારતીય કબડ્ડીમાં હવે એક કરતાં વધુ મજબૂત ટીમો તૈયાર થઈ રહી છે અને નવા ખેલાડીઓને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તક મળી રહી છે. આ અંગે સુરજિત સિંહે જણાવ્યું હતું કે, ફેડરેશન તમામ ખેલાડીઓને સમાન તક આપી રહ્યું છે. એશિયન ગેમ્સમાં રમેલા ખેલાડીઓ પણ ખૂબ સારા હતા અને અગાઉ તક ન મેળવી શકેલા ખેલાડીઓને આ ચેમ્પિયનશિપમાં પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળી છે. ભારતીય કબડ્ડીમાં કોઈ બી-ટીમ નથી. ભારતના તમામ ખેલાડીઓ સમાન રીતે મજબૂત છે અને દેશનું નામ રોશન કરવાની ક્ષમતા ધરાવે છે.
આગામી સ્પર્ધાઓ માટે પણ તૈયાર રહેશે ટીમ
કોમનવેલ્થ ચેમ્પિયનશિપ પૂર્ણ થયા બાદના આયોજન અંગે તેમણે જણાવ્યું હતું કે, આ સ્પર્ધા બાદ ભારતીય એમેચ્યોર કબડ્ડી ફેડરેશન (AKFI) દ્વારા જે નવી સ્પર્ધા અથવા નેશનલ કેમ્પનું આયોજન કરવામાં આવશે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કબડ્ડીની રમતમાં સતત કેમ્પ અને ટૂર્નામેન્ટ યોજાતાં રહે છે અને ખેલાડીઓએ દરેક નવી તક માટે તૈયાર રહેવું પડે છે.
ભારતની નજર ચેમ્પિયન બનવા પર
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ રહેલી આ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં 13 દેશોની 23 ટીમોના 400થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 23થી 31 ઓક્ટોબર દરમિયાન યોજાતી આ સ્પર્ધામાં પુરુષોની 39 અને મહિલાઓની 23 ટીમો મળીને કુલ 62 મુકાબલા રમાઈ રહ્યા છે. ભારતીય પુરુષ ટીમનું નેતૃત્વ સુરજિત સિંહ કરી રહ્યા છે.
સેમિફાઇનલ સુધીની સફરમાં ભારતીય ટીમે પોતાની રમતની તાકાત દર્શાવી છે. હવે અંતિમ મુકાબલામાં વિજય મેળવી ચેમ્પિયન બનવાનું લક્ષ્ય છે. સુરજિત સિંહના આત્મવિશ્વાસભર્યા શબ્દોમાં કહીએ તો, વિરોધી ટીમ કોઈપણ હોય, ભારતીય ખેલાડીઓ મેદાનમાં ઉતરશે ત્યારે તેમની નજર માત્ર એક જ લક્ષ્ય પર હશે—દેશ માટે સુવર્ણ પદક જીતવા પર.
