ન્યૂઝીલેન્ડને લાગ્યો પાકિસ્તાન જેવો રોગ! ભારતીય સિરીઝમાં ખરાબ ફિલ્ડિંગથી બનાવ્યો શરમજનક રેકોર્ડ

Spread the love

ન્યૂઝીલેન્ડની ટીમ ભારત સામેની ટી૨૦ સિરીઝમાં અત્યાર સુધી ૧૨ કેચ છોડી ચૂકી છે, જેના કારણે ટીમની હાર થઈ હતી

ઓકલેન્ડ:

ભારત સામેની ૫ મેચની ટી૨૦ સિરીઝના ચોથા મુકાબલામાં ન્યૂઝીલેન્ડે શાનદાર જીત મેળવી છે. જોકે, આ જીતથી સિરીઝ પર કોઈ ખાસ અસર નહીં પડે કારણ કે ભારતીય ટીમ પહેલેથી જ શરૂઆતના ૩ મેચ જીતીને સિરીઝ કબજે કરી ચૂકી છે. આ સમગ્ર સિરીઝમાં કિવી ટીમની નબળી ફિલ્ડિંગ સૌથી મોટો ચિંતાનો વિષય રહી છે. સામાન્ય રીતે શાનદાર ફિલ્ડિંગ માટે જાણીતી ન્યૂઝીલેન્ડની ટીમ આ સિરીઝમાં કેચ છોડવાના મામલે ખૂબ જ નબળી સાબિત થઈ છે.

ચોથા મેચમાં ન્યૂઝીલેન્ડે ભલે મોટા અંતરથી જીત મેળવી હોય, પરંતુ આ દરમિયાન ટીમ પોતાના જ એક શરમજનક રેકોર્ડની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે. ભારતીય ટીમ સામે રમાયેલી આ સિરીઝની ૪ મેચોમાં જ ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ કુલ ૧૨ કેચ ટપકાવી દીધા છે. અભિષેક શર્મા અને તિલક વર્મા જેવા ખતરનાક બેટ્સમેનોના કેચ છોડવા મોંઘા સાબિત થયા છે.

આ વર્ષે જ બનાવ્યો હતો શરમજનક રેકોર્ડ

ન્યૂઝીલેન્ડની ફિલ્ડિંગનું સ્તર આ વર્ષે જ ઘણું નીચું ગયું છે. આ વર્ષની શરૂઆતમાં જ કિવી ટીમે સાઉથ આફ્રિકા સામેની ૫ મેચની ટી૨૦ સિરીઝમાં કુલ ૧૪ કેચ છોડ્યા હતા. હવે ભારત સામે માત્ર ૪ મેચમાં જ ૧૨ કેચ છોડી દેવાયા છે. જો પાંચમી મેચમાં પણ આવું જ ખરાબ પ્રદર્શન ચાલુ રહ્યું, તો આ સિરીઝમાં કેચ ડ્રોપનો આંકડો ૧૫ પર પહોંચી જશે. ખાસ વાત એ છે કે આ જ ટીમમાં ગ્લેન ફિલિપ્સ જેવા વર્લ્ડ ક્લાસ ફિલ્ડર પણ સામેલ છે, છતાં ટીમનું આ પ્રદર્શન ચોંકાવનારું છે.

મેચમાં શું થયું?

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ૭ વિકેટે ૨૫૯ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ગ્લેન ફિલિપ્સે ૪૯ બોલમાં ૧૦૭ રનની તોફાની સદી ફટકારી હતી, જ્યારે માઈકલ બ્રેસવેલે ૨૫ બોલમાં ૬૫ રનનું યોગદાન આપ્યું હતું. આ વિશાળ લક્ષ્યના જવાબમાં ભારતીય ટીમ ૯ વિકેટે ૧૭૨ રન જ બનાવી શકી હતી. ભારત તરફથી તિલક વર્માએ સૌથી વધુ ૩૫ રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ માટે બોલિંગમાં જેકબ ડફીએ ૪ વિકેટ ઝડપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *