ડેકોરા ગ્રુપના માલિક ચિરાગ પટેલની જન્મદિવસની ઉજવણીમાં 43 પુરુષ અને 33 મહિલાઓ હાજર; વિદેશી દારૂની 11 બોટલો મળી, 38 સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો
રાજકોટ:
દિવાળીના તહેવારો વચ્ચે રાજકોટમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે. શહેરના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં બર્થ-ડે પાર્ટીના નામે યોજાયેલી દારૂની મહેફિલ પર LCB ઝોન-2ની ટીમે 31 ઓક્ટોબરની મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. ડેકોરા ગ્રુપના માલિક ચિરાગ અરવિંદ પટેલના જન્મદિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલી આ પાર્ટીમાં 43 પુરુષ અને 33 મહિલા સહિત કુલ 76 લોકો હાજર હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો કબજે કરી 38 વ્યક્તિઓ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વીડિયો સામે આવતાં પોલીસની કાર્યવાહી, રાત્રે એક વાગ્યે દરોડો
મળતી માહિતી મુજબ, ચિરાગ પટેલનો જન્મદિવસ 12 નવેમ્બરે છે, પરંતુ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને અગાઉથી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. 31 ઓક્ટોબરની રાત્રે સરાઝા હોટેલમાં પાર્ટી ચાલી રહી હોવાનો વીડિયો સામે આવતાં પોલીસ હરકતમાં આવી હતી. ત્યારબાદ રાત્રે આશરે એક વાગ્યે LCB ઝોન-2ની ટીમે હોટેલમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો.
પોલીસની અચાનક એન્ટ્રી થતાં પાર્ટીમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. હોટેલના પાર્કિંગમાં મોંઘીદાટ અને લક્ઝરી કારની લાંબી લાઈન જોવા મળી હતી. રાજકોટ અને મોરબીના જાણીતા વેપારીઓ તથા ઉદ્યોગપતિઓ પણ પાર્ટીમાં હાજર હોવાની ચર્ચા વચ્ચે સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વરમોરા ગ્રેનિટોના એમડી પણ પાર્ટીમાં હાજર હોવાની વિગતો
આ પાર્ટીમાં મોરબીની જાણીતી ટાઇલ્સ કંપની વરમોરા ગ્રેનિટો પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મનીષ વરમોરા પણ હાજર હોવાની વિગતો સામે આવી છે. ઘટનાસ્થળેથી કંપનીના નામ સાથે સંકળાયેલી ફોર્ચ્યુનર કાર મળી આવી હોવાનું પણ જણાવાયું છે. પોલીસ દ્વારા કબજે કરાયેલા વાહનોની વિગતોના આધારે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
લાઈટો બંધ થતાં અનેક સવાલો, મહિલાઓને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ
પોલીસની કાર્યવાહી દરમિયાન હોટેલની લાઈટો બંધ કરી દેવામાં આવી હોવાની વિગતો પણ સામે આવી છે. રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ હોટેલની બહારની લાઈટો બંધ થઈ હતી અને ત્યારબાદ અંદરના ભાગની લાઈટો પણ બંધ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન રાજકીય નેતાઓના ફોન આવ્યાની ચર્ચાઓ પણ ચાલી રહી છે, જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી.
પાર્ટીમાં હાજર 33 મહિલાઓને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. વહેલી સવારે પોલીસ સુરક્ષા હેઠળ હોસ્પિટલ લઈ જતી વખતે કેટલીક મહિલાઓએ કેમેરામાં ઓળખ છતી ન થાય તે માટે ખુરશી અને ટેબલનાં કવરથી ચહેરા ઢાંક્યા હોવાનું પણ સામે આવ્યું છે.
11 બોટલો મળી, 38 લોકો સામે ગુનો
પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ, દરોડા દરમિયાન હોટેલમાં ટેબલ પર મૂકેલા ગ્લાસમાં દારૂ ભરેલો જોવા મળ્યો હતો. સ્થળ પરથી 750 મિલીલીટરની અલગ-અલગ બ્રાન્ડની આશરે 11 ખાલી અને ભરેલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દારૂ સિવાય અન્ય કોઈ નશાકારક પદાર્થ મળી આવ્યો ન હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ કેસમાં કુલ 38 વ્યક્તિઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં પાર્ટીમાં સામેલ 35 વ્યક્તિઓ ઉપરાંત હોટેલ મેનેજર સહિત ત્રણ સર્વિસ સ્ટાફનો સમાવેશ થાય છે.
92થી વધુનાં બ્લડ સેમ્પલ લેવાયાં, રિપોર્ટની રાહ
પોલીસે આ મામલે 92થી વધુ વ્યક્તિઓનાં બ્લડ સેમ્પલ એકત્ર કરાવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ કેટલા લોકોએ દારૂનું સેવન કર્યું હતું અને કોણ નશાની હાલતમાં હતું તે સ્પષ્ટ થશે.
હાલ પોલીસે હોટેલનાં CCTV ફૂટેજ, સ્થળ પરથી મળેલી બોટલો અને અન્ય પુરાવાના આધારે તપાસ આગળ ધપાવી છે. દારૂની વ્યવસ્થા કોણે કરી હતી, હોટેલ મેનેજમેન્ટની ભૂમિકા શું હતી અને પાર્ટીના આયોજનમાં અન્ય કોણ સંકળાયેલું હતું તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. મેડિકલ રિપોર્ટ અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ આ હાઈપ્રોફાઈલ પાર્ટી અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.
