ભાવનગરના બોર તળાવના આકાશમાં સૂર્યકિરણ ટીમનો ભવ્ય એર શો: નવ હોક વિમાનોએ તિરંગાના રંગોથી આકાશ રંગ્યું

Spread the love

30થી 40 મિનિટ સુધી ચાલેલા રોમાંચક પ્રદર્શનમાં નવ વિમાનોએ લૂપ્સ, રોલ્સ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ સહિતના અદ્ભુત કરતબો રજૂ કર્યા; મોટી સંખ્યામાં નાગરિકોએ નિહાળ્યો વાયુસેનાનો શૌર્ય અને કૌશલ્યનો નજારો

ભાવનગર

ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત સૂર્યકિરણ એરોબેટિક ટીમે રવિવારે ભાવનગરના બોર તળાવ (ગૌરીશંકર તળાવ) ખાતે ભવ્ય એર શો યોજીને શહેરવાસીઓને રોમાંચિત કરી દીધા હતા. ભાવનગરમાં પ્રથમ વખત યોજાયેલા આ પ્રકારના એર શોમાં વાયુસેનાના નવ લાલ અને સફેદ રંગના હોક Mk-132 વિમાનોએ આકાશમાં અદ્ભુત કરતબો રજૂ કર્યા હતા. વિમાનોએ કેસરી, સફેદ અને લીલા રંગના ધુમાડાના પટ્ટા છોડીને આકાશમાં તિરંગાની ભવ્ય છટા પાથરી હતી.

એર શો દરમિયાન બોર તળાવના કિનારે તેમજ શહેરના વિવિધ સ્થળોએ મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા. લગભગ 30થી 40 મિનિટ સુધી ચાલેલા આ પ્રદર્શને ભાવનગરવાસીઓમાં દેશભક્તિ અને રોમાંચનો અનોખો માહોલ સર્જ્યો હતો.

નવ વિમાનોએ આકાશમાં રચ્યો અદભુત નજારો

સૂર્યકિરણ ટીમના નવ હોક Mk-132 વિમાનોએ અત્યંત ચોકસાઈ અને તાલમેલ સાથે વિવિધ એરોબેટિક કરતબો રજૂ કર્યા હતા. તેમાં ક્લોઝ ફોર્મેશન ફ્લાઇંગ, વિંગટિપ-ટુ-વિંગટિપ ઉડાન, લૂપ્સ, રોલ્સ અને ઊંધી ઉડાન (ઇન્વર્ટેડ ફ્લાઇંગ) સહિતની જટિલ કવાયતોનો સમાવેશ થયો હતો. વિમાનો વચ્ચેનું અદ્ભુત અંતર, ગતિ અને સંકલન જોઈને દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

1996માં સ્થાપના, 800થી વધુ પ્રદર્શનો

સૂર્યકિરણ એરોબેટિક ટીમની સ્થાપના વર્ષ 1996માં કરવામાં આવી હતી. એશિયામાં નવ વિમાનોના ફોર્મેશન સાથે એરોબેટિક પ્રદર્શન કરતી એકમાત્ર ટીમ તરીકે તેની વિશેષ ઓળખ છે. ટીમ અત્યાર સુધી ભારત અને વિદેશમાં 800થી વધુ એર શો રજૂ કરી ચૂકી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા લાઇસન્સ હેઠળ ઉત્પાદિત હોક Mk-132 વિમાનોનો ઉપયોગ કરવામાં આવે છે.

ટીમનું સૂત્ર ‘સદૈવ સર્વોત્તમ’ છે, જે તેના દરેક પ્રદર્શનમાં જોવા મળે છે. ગ્રૂપ કેપ્ટન અજય દસરથી ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે, જ્યારે વિંગ કમાન્ડર તેજેશ્વરસિંહ ફ્લાઇટ કમાન્ડર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. 13 પાઇલટ્સ ઉપરાંત ટેકનિકલ અને ઓપરેશનલ કર્મચારીઓની ટીમ આ પ્રદર્શનને સફળ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

એર સિમ્યુલેટર અને મોટિવેશનલ સ્ટોલ બન્યા આકર્ષણ

એર શો સાથે ભારતીય વાયુસેના દ્વારા વિવિધ જનજાગૃતિ અને પ્રેરણાત્મક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટિવેશનલ સ્ટોલમાં વિદ્યાર્થીઓ અને યુવાનોને વાયુસેનામાં કારકિર્દીની તકો, ભરતીની પસંદગી પ્રક્રિયા અને સૈન્ય જીવન અંગે માહિતી આપવામાં આવી હતી.

એર સિમ્યુલેટર દ્વારા મુલાકાતીઓને વિમાન ઉડાડવાની પ્રક્રિયાનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એરફોર્સ બેન્ડે દેશભક્તિની ધૂનો અને માર્શલ ટ્યૂન રજૂ કરીને કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ ઉમેર્યું હતું.

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુ બાંભણીયા ઉપસ્થિત રહ્યાં

આ કાર્યક્રમ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કાર્યક્રમમાં કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુ બાંભણીયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ઉપરાંત એર વાઇસ માર્શલ જી.એસ. ભુલ્લર સહિત વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ, ગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સ્થાનિક અગ્રણીઓએ પણ હાજરી આપી હતી. નાગરિકો માટે પ્રવેશ સંપૂર્ણપણે વિનામૂલ્યે રાખવામાં આવ્યો હતો.

ભાવનગરમાં યોજાયેલો આ ભવ્ય એર શો માત્ર મનોરંજન પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ ભારતીય વાયુસેનાની શક્તિ, શિસ્ત, સાહસ અને વ્યાવસાયિક કૌશલ્યનો પરિચય કરાવતો યાદગાર પ્રસંગ બન્યો હતો. સાથે જ યુવા પેઢીને ભારતીય સશસ્ત્ર દળોમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપવાનો પણ પ્રયાસ સફળ રહ્યો હતો. વાયુસેનાએ કાર્યક્રમના સફળ આયોજનમાં સહયોગ બદલ જિલ્લા વહીવટીતંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ અને ભાવનગરના નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *