ગુજરાતમાંથી વર્ષે અંદાજે એક લાખથી વધુ લોકો અભ્યાસ અને નોકરી માટે વિદેશ જા છે પણ કોઈકને કોઈક કારણે તેઓએ વિલા મોઢે પાછા ફરવું પડે છે
એસવીએન,અમદાવાદ
વિદેશ જવું હવે માત્ર મહત્વાકાંક્ષા નહીં, પરંતુ સ્ટેટસ સીમ્બોલ બની ગયું છે. પશ્ચિમી દેશોની ઝાકમઝોળથી અંજાઈને ગુજરાતમાંથી દર વર્ષે આશરે એક લાખ લોકો યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં અભ્યાસ તેમજ રોજગાર માટે જઈ રહ્યા છે. પરંતુ આંખોમાં ઉજ્જવળ ભવિષ્યના સપના સજાવી વિદેશ ગયેલા દર ચારમાંથી એક વ્યક્તિને પાંચથી સાત વર્ષમાં જ ભીની આંખે પરાણે ત્યાંથી પાછા ફરવું પડે છે. દેશમાં પરત ફર્યા બાદ નિષ્ફળતાના સામાજિક ભારણ અને આર્થિક અસ્થિરતા વચ્ચે એકડેએકથી શરૂઆત કરવી પડે છે.
વિદેશ જનારાની સંખ્યા વધીને 40 ટકા થઈ
એકાદ દાયકાથી વિદેશ જવું જાણે ટ્રેન્ડ બની ગયું છે. અગાઉ વિદેશ જનારા કુલ છાત્રોમાંથી 80 ટકા અનુસ્નાતક કક્ષાના અભ્યાસ માટે જતા હતા. જેનો બે વર્ષનો ખર્ચ 20થી 30 રૂપિયા લાખ થતો હતો. જ્યારે માત્ર 20 ટકા સ્નાતક થવા માટે જતા હતા. જોકે હવે નાની ઉંમરે વિદેશ જવાનો અબરખો જાગતા એક કરોડ રૂપિયા સુધીની મોટી રકમ ખર્ચીને ચાર વર્ષની બેચલર્સ ડિગ્રી માટે વિદેશ જનારાની સંખ્યા વધીને 40 ટકા થઈ ગઈ છે.
દર વર્ષે રાજ્યમાંતી એક લાખ લોકો વિદેશ જાય છે
રાજ્યમાંથી આશરે એક લાખ લોકો પશ્ચિમી દેશો તરફ દોટ મૂકે છે. વિઝા કન્સલ્ટન્સી સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ તેમાંથી 20થી 25 ટકા લોકોને પાંચથી સાત વર્ષમાં નાછૂટકે ત્યાંથી પરત ફરવાનો વારો આવે છે. અભ્યાસ બાદ મોટાભાગે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ મળતી હોવાથી પાંચ વર્ષ સુધી વાંધો આવતો નથી. પરંતુ બાદમાં સારી નોકરી ન મળતા તેમની વર્ક પરમિટ લંબાવાતી નથી. મધ્યમ વર્ગીય માતા-પિતા તેમની મરણમૂડી ખર્ચી અથવા લોન લઈને સંતાનોને વિદેશ મોકલતા હોય છે. ત્યારે પાંચથી દસ ટકા કિસ્સામાં છાત્રોને અધવચ્ચેથી પાછા ફરવાની નોબત આવતા પરિવાર પર ઉલટાનું આર્થિક ભારણ વધી જાય છે. તેમજ નવેસરથી દેશમાં નોકરી-ધંધા શોધવા પડે છે.
વિદેશથી કેમ પાછા ફરવું પડે છે
•ભણતરમાં ધ્યાન ન આપવું, કુસંગત
•નોકરી માટે જરૂરી કૌશલ્ય ન વિકસાવવું
•હરીફાઈ સામે ટકી ન શકવું
•વર્ક પરમિટ માટેના બદલાતા નિયમો
•પીઆર (પરમેનન્ટ રેસિડન્સ) મેળવવામાં મુશ્કેલી
અજાણી કોલેજ અને દેશોમાં મોકલતા એજન્ટોનો રાફડો
વિદેશ જવાના લોકોના ક્રેઝનો ગેરલાભ ઉઠાવતા એજન્ટોનો રાફડો ફાટી નીકળ્યો છે. તેઓ વિદ્યાર્થીઓને વિદેશની ઝાકમઝોળ, તોતિંગ કમાણી, ઉચ્ચ જીવનશૈલી વગેરેના ખોટા સ્વપ્ન દેખાડી ગેરમાર્ગે દોરી રહ્યા છે. વિદેશની અજાણી અને નામપૂરતી કોલેજોમાં છાત્રોનો એડમિશન કરાવી દેવાય છે. તેમજ કઝાકિસ્તાન, જોર્જિયા, માલ્ટા જેવા દેશોમાં પ્રગતિની ઓછી તક હોવા છતાં છાત્રોને ત્યાં મોકલી દેવાય છે. જો કે, ત્યાં જઈ હકીકત જણાતા તેમને પાછા ફરવું પડે છે.
આઈટી ક્ષેત્રના 50 ટકાથી વધુ પાછા ફરે છે
ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં આઈટી (ઇન્ફોર્મેશન ટેકનોલોજી) ક્ષેત્રના છાત્રો અને નોકરિયાતો વિદેશ જઈ રહ્યા છે. પરંતુ વિશ્વભરમાં આઈટી ક્ષેત્રમાં ચાલતી છટણીની લહેરથી વિદેશ ગયેલા 50 ટકા લોકોને પાછા ફરવાની નોબત આવે છે. જ્યારે એમબીએ કરવા ગયેલા ત્રીસેક ટકા છાત્રોને પણ થોડા વર્ષોમાં પરત આવવું પડે છે.
નોંધનીય છે કે, યુકે 35-40 ટકા, યુએસ, કેનેડા 24-30, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ 20-30 ટકા ભારતીય પાછા આવે છે.
વિદેશ જતા પહેલાં ત્રણ મુદ્દે સંશોધન જરૂરી
•જે-તે દેશમાં શિક્ષણની સ્થિતિ કેવી છે?
•કયા ક્ષેત્રમાં રોજગારીની વધુ તક છે?
•ત્યાં કાયમી નિવાસી બનવાના નિયમો શું છે?
