બંને મેચો 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રાખવામાં આવેલી ટુર્નામેન્ટની હતી
મુંબઈ
મેચ રમતી વખતી એક 52 વર્ષીય બિઝનેસમેનનું કાનની પાછળ બોલ વાગવાથી મૃત્યુ થયું હતું. મૃતકનું નામ જયેશ સાવલા છે. મેદાનમાં એક જ સમયે બે મેચ ચાલી રહી હોવાને કારણે આ અકસ્માત થયો હતો. જે બોલ તેમને વાગ્યો હતો તે મેદાનમાં રમાઈ રહેલી એક અન્ય મેચમાંથી આવ્યો હતો.
માટુંગાના દાદકર મેદાનમાં સોમવારે બપોરે એક સાથે બે મેચો રમાઈ રહી હતી. બંને મેચો 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રાખવામાં આવેલી ટુર્નામેન્ટની હતી. આ મેદાન પર હંમેશા એક સાથે ઘણી મેચ રમાતી હોય છે, જેથી કેટલીક વાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત પણ થયા છે. પરંતુ આ પહેલીવાર બન્યું છે કે આવા અકસ્માતમાં કોઈનું મોત થયું હોય.
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે જયેશને પાછળથી બોલ વાગ્યો અને તે ત્યાં જ પડી ગયો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુની નોંધ કરી છે. પોસ્ટમાર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.