મૃતકનું નામ વિકાસ નેગી છે, તે એક એન્જિનિયર હતો

નોઈડા
નોઇડામાં ક્રિકેટ મેચ દરમિયાન એક 34 વર્ષીય ખેલાડીનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. મૃતકનું નામ વિકાસ નેગી છે. તે એક એન્જિનિયર હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
નોઇડાના સેક્ટર 135માં બનેલા સ્ટેડિયમમાં માવરિક-11 અને બ્લેઝીંગ બુલ્સની ટીમ વચ્ચે એક ક્રિકેટ મેચ રમાઈ હતી. માવરિક-11ની બેટિંગ દરમિયાન ઉમેશ કુમાર અને વિકાસ નેગી ક્રિઝ પર હતા. ઉમેશે 14મી ઓવરના 5માં બોલ પર શોટ ફટકાર્યો અને નોન-સ્ટ્રાઈકર એન્ડ પર રહેલો વિકાસ રન લેવા દોડ્યો. બોલ બાઉન્ડ્રી સુધી પહોંચી ગયો અને ઉમેશ સાથે હાથ મિલાવીને વિકાસ પાછો ફરવા લાગ્યો ત્યારે જ અચાનક તે પિચ પર ઢળી પડ્યો. તેને જોઈ સૌથી પહેલા વિકેટકીપર તેની પાસે દોડી આવ્યો, ત્યારબાદ બોલર અને બેટ્સમેન પણ તેની તરફ દોડ્યા.
તમામ ખેલાડીઓ વિકાસના આસપાસ એકઠા થઇ ગયા હતા. ખેલાડીઓએ તેણે CPR આપ્યું હતું. ત્યારબાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. વિકાસ મૂળ ઉત્તરાખંડનો હતો. હાલમાં તે દિલ્હીના રોહિણીમાં રહેતો હતો. તે નોઈડાની એક કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો.
