ટીમની પ્રથમ મેચ બંગાળ સામે ડ્રો રહ્યા બાદ મુંબઈ સામેની મેચ પૂર્વે વિહારીના નિર્મયથી ટીમને આંચકો
મુંબઈ
એવું ભાગ્યે જ બને છે કે કોઈ ટીમ જોરદાર પ્રદર્શન કરતી હોય અને તેનો કેપ્ટન અચાનક જ રાજીનામું આપી દે. હનુમા વિહારીની કપ્તાની હેઠળ આંધ્રપ્રદેશે 2023-24 રણજી ટ્રોફી સીઝનની શરૂઆતની મેચ બંગાળ સામે ડ્રો રમ્યો હતો. આજે ટીમની બીજી મેચ મુંબઈ ટીમ સામે છે, પરંતુ તે પહેલા જ 30 વર્ષીય ખેલાડીએ કેપ્ટનશીપ છોડીને કહ્યું કે,’હું બેટિંગ પર ધ્યાન આપવા માગું છું.’ હવે તેમના સ્થાને વિકેટકીપર-બેટ્સમેન રિકી ભુઈને બાકીની સિઝન માટે કેપ્ટન જાહેર કરવામાં આવ્યા છે.
વિહારીએ 133 બોલમાં 51 રનની શાનદાર ઈનિંગ રમી, આંધ્રને પ્રથમ દાવમાં 445 રન બનાવવામાં મદદ કરી અને વિશાખાપટ્ટનમમાં 36 રનની મહત્ત્વપૂર્ણ લીડ મેળવી.જો કે,આ મેચ ડ્રો રહી હતી.
નવા કેપ્ટન રિકી ભુઈએ જણાવ્યું હતું કે, તેમણે(હનુમા વિહારી)અંગત કારણોસર પદ છોડ્યું છે. તે પોતાની બેટિંગ પર ધ્યાન આપવા માંગે છે. છેલ્લી સિઝનમાં અમે મુશ્કેલ પીચ પર રમ્યા હતા. પરંતુ આ વખતે અમારી પાસે સારા સ્પિનરો છે તેથી અમે અલગ-અલગ પીચ પર પણ રમી શકીએ. વિહારીએ છેલ્લી રમતમાં પણ સારી શરૂઆત કરી હતી, પરંતુ તે તેને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યો નહોતો. અમે જાણીએ છીએ કે તે મોટી સદી ફટકારવામાં સક્ષમ છે. તે બધું એક દાવ પર નિર્ભર છે. જો તે આત્મવિશ્વાસ મેળવે તો બધું શક્ય છે.
ઉલ્લેખનીય છે કે, હનુમા વિહારી હાલ ભારતીય ટીમમાંથી બહાર છે અને તેમણે છેલ્લે 2022માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમી હતી. વિહારીએ શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓને પણ ટક્કર આપી હતી.