જાડેજા પહેલા કપિલ દેવ, હરભજન સિંહ, રવિચંદ્રન અશ્વિન અને અનિલ કુંબલે આ રેકોર્ડ બનાવી ચૂક્યા છે
રાજકોટ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા. જવાબમાં ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ ચાલુ છે. ભારતીય ટીમને ત્રીજા દિવસની રમત શરુ થાય તે પહેલા મોટો ઝટકો લાગ્યો જ્યારે રવિચંદ્રન અશ્વિન અચાનક પારિવારિક કારણોસર ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો. આવી સ્થિતિમાં ત્રીજા દિવસે ભારતીય ટીમ 4 બોલરો સાથે મેદાનમાં ઉતરી હતી. જો કે પહેલા દોઢ કલાકમાં બુમરાહે જો રૂટને અને કુલદીપે જોની બેરસ્ટો અને બેન ડકેટને પેવેલિયન પરત કર્યો હતો. જયારે રવિન્દ્ર જાડેજાએ કેપ્ટન બેન સ્ટોક્સને આઉટ કર્યો હતો. આ સાથે જાડેજાએ એક ખાસ સિદ્ધિ મેળવી છે.
રવિન્દ્ર જાડેજાએ પહેલા બેટિંગ કરતા ભારત માટે શાનદાર સદી ફટકારી હતી. ત્યારબાદ બોલિંગ કરતી વખતે રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને પોતાનો પહેલો શિકાર બનાવ્યો હતો. આ સાથે જ જાડેજાએ ભારતીય ધરતી પર 200 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી. આવું કરનાર તે પાંચમો ભારતીય બન્યો છે. જાડેજા પહેલા કપિલ દેવ, હરભજન સિંહ, રવિચંદ્રન અશ્વિન અને અનિલ કુંબલે આ રેકોર્ડ બનાવી ચૂક્યા છે.
રવિન્દ્ર જાડેજાએ ભારતની ધરતી પર 42 મેચમાં 200 ટેસ્ટ વિકેટ પૂરી કરી છે. જાડેજા પહેલા કપિલ દેવે 65 મેચમાં 219 વિકેટ, હરભજન સિંહે 55 મેચમાં 265 વિકેટ, અશ્વિને 58 મેચમાં 347 વિકેટ અને અનિલ કુંબલેએ 63 મેચમાં 350 ટેસ્ટ વિકેટ લીધી હતી. આ સિવાય જાડેજા 200 ઘરેલું વિકેટ પૂરી કરનાર બીજો લેફ્ટ આર્મ સ્પિનર બન્યો છે. તેના પહેલા શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી રંગના હેરાથના નામે 278 ટેસ્ટ વિકેટ છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક (217) એકમાત્ર ડાબોડી બોલર છે જેણે ઘરેલું ટેસ્ટમાં 200થી વધુ વિકેટ લીધી છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝ હજુ 1-1ની બરાબરી પર ચાલી રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમોએ એક-એક મેચ જીતી છે. સૌથી પહેલા ઈંગ્લેન્ડે ભારત સામેની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ જીતી હતી. ઈંગ્લેન્ડે સીરિઝની શરૂઆત જીત સાથે કરી હતી. પરંતુ બીજી જ મેચમાં ભારતે પણ શાનદાર વાપસી કરી અને વિશાખાપટ્ટનમમાં રમાયેલી ટેસ્ટ મેચ જીતી લીધી હતી.