મુખ્ય રેલવે લાઇન પર કોઈ સ્ટેશન છે, તો ત્યાં દરરોજ ઓછામાં ઓછી 50 ટિકિટ વેચાવી જોઈએ એવો નિયમ છે
પ્રયાગરાજ
ભારતીય રેલ્વેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે. આ લાઈફલાઈન મારફતે દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. તમે ટિકિટ વિના મુસાફરી વિશે ઘણું સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે લોકોએ ટિકિટ તો ખરીદે છે પણ મુસાફરી નથી કરી? જો નહીં, તો તમને એક એવા રેલવે સ્ટેશન વિશે જણાવીશું જ્યાં લોકો ટિકિટ ખરીદે છે પરંતુ મુસાફરી કરતા નથી.
ઉત્તર પ્રદેશમાં એક એવું રેલવે સ્ટેશન છે જ્યાં લોકો ટિકિટ ખરીદવા છતાં મુસાફરી કરતા નથી. આ અનોખું રેલવે સ્ટેશન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવેલું છે. આ અનોખા રેલવે સ્ટેશનનું નામ દયાલપુર રેલવે સ્ટેશન છે. આ રેલવે સ્ટેશનની આજુબાજુના ગામોના લોકો દરરોજ રેલવે સ્ટેશન પરથી ટિકિટ ખરીદે છે અને મુસાફરી કર્યા વિના જ પાછા જાય છે.
દયાલપુર રેલવે સ્ટેશનનું નિર્માણ કાર્ય 1954માં શરૂ થયું હતું. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુએ તેને બનાવવામાં વિશેષ રસ દાખવ્યો હતો. પંડિત જવાહરલાલ નેહરુએ તત્કાલીન રેલ્વે મંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને દયાલપુર રેલ્વે સ્ટેશન બનાવવામાં મદદ કરવા વિનંતી કરી હતી.
જો મુખ્ય રેલવે લાઇન પર કોઈ સ્ટેશન છે, તો ત્યાં દરરોજ ઓછામાં ઓછી 50 ટિકિટ વેચાવી જોઈએ. તે જ સમયે, જો કોઈ સ્ટેશન બ્રાન્ચ લાઇન પર છે, તો ત્યાં દરરોજ ઓછામાં ઓછી 25 ટિકિટ વેચાવી જોઈએ. આ માપદંડ પૂરો ન થતા વર્ષ 2016માં ભારતીય રેલવેએ દયાલપુર રેલવે સ્ટેશન બંધ કરી દીધું હતું. આથી આ રેલવે સ્ટેશન પુનઃસ્થાપિત કરવા સ્થાનિક લોકોએ ઘણી અરજીઓ કરીને તેને વર્ષ 2022 માં પુનઃસ્થાપિત કરાવ્યું હતું. આથી ત્યારથી સ્થાનિક લોકો સ્ટેશનને જીવંત રાખવા માટે દરરોજ સ્ટેશન પરથી ટિકિટ ખરીદે છે. જો કે, આ સ્ટેશન માત્ર હોલ્ટ તરીકે ખોલવામાં આવ્યું છે અને અહીં માત્ર 1-2 ટ્રેનો જ ઉભી રહે છે.