જે લાઈસન્સ ધારકોની માન્યતા 31 જાન્યુઆરી, 2024 અને 15 ફેબ્રુઆરી, 2024 વચ્ચે પૂરી થઈ ગઈ છે, તેમના માટે રાહતના સમાચાર
નવી દિલ્હી
જેમના ડ્રાઈવિંગ લાઈસન્સ, લર્નર લાઈસન્સ અને કંડક્ટર લાઈસન્સની વેલિડિટી પૂરી થવા આવી હોય તેવા લોકોને માર્ગ પરિવહન મંત્રાલયે મોટી રાહત આપી છે. માહિતી પ્રમાણે જે લાઈસન્સ ધારકોની માન્યતા 31 જાન્યુઆરી, 2024 અને 15 ફેબ્રુઆરી, 2024 વચ્ચે પૂરી થઈ ગઈ છે, તેમના માટે લાઈસન્સની વેલિડિટી 29 ફેબ્રુઆરી 2024 સુધી લંબાવવામાં આવી છે. માર્ગ પરિવહન મંત્રાલય અને હાઈવે મંત્રાલયે આ બાબતે સર્કુલર બહાર પાડી માહિતી આપી છે.
માર્ગ પરિવહન મંત્રાલય અને હાઈવે મંત્રાલય એ સર્કુલરમાં જણાવ્યું છે કે સારથી પોર્ટલ (https://sarathi.parivahan.gov.in) માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કારણોને લીધે અરજીકર્તાઓને 31 જાન્યુઆરીથી લઈને 12 ફેબ્રુઆરી 2024 દરમિયાન લાઈસન્સ રિલેટેડ સર્વિસ મામલે કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
સર્કુલર મુજબ આરટીઓ ઓફિસમાં ભીડ ઓછી કરવા અને સર્વિસને ચાલુ રાખવા માટે આ પોર્ટલ પર ઓનલાઈન સર્વિસને આંશિક રુપે નાગરિકો માટે ડિસેબલ કરી દેવામા આવી હતી જેથી કરીને આરટીઓ ઓવરલોડ વગર કામ કરી શકે. આંશિક રીતે ઓનલાઈન સેવાઓ બંધ કરવાના કારણે અરજદારો ફી ભરી શકતાં નથી, ડ્રાઈવિંગ લાઈસન્સને રિન્યુએઅલ જેવી સેવાઓ માટે અરજી કરવા, લર્નર લાઈસન્સ માટે સ્લોટ બુક કરવો અને ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ માટે અરજી કરી શકતા નહોતા.
નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે કરીને માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે લર્નર લાઈસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને કંડક્ટર લાઈસન્સની માન્યતા 31 જાન્યુઆરી, 2024 અને 15 ફેબ્રુઆરી, 2024 વચ્ચે પૂરી થઈ ગઈ છે તેમને તારીખ 29 ફેબ્રુઆરી, 2024 સુધી કોઈપણ જાતની પેનલ્ટી વસુલવામાં નહીં આવે. તેમજ અમલીકરણ અધિકારીઓને પણ સલાહ આપવામાં આવી છે કે આવા દસ્તાવેજોને તા. 29 ફેબ્રુઆરી,2024 સુધી માન્ય રાખે.