આ મામલે ભારત પોતાના તરફથી કોઈ પગલું નહીં ભરે એવી પમ ભારતના વિદેશ પ્રધાનની સ્પષ્ટતા
નવી દિલ્હી
રશિયા-યુક્રેનના વિવાદોને ઉકેલવા મુદ્દે વિદેશ મંત્રી એસ. જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રીએ સંકેત આપ્યો છે કે, જો જરૂર પડી તો ભારત રશિયા અને યુક્રેન વચ્ચેના વિવાદોના ઉકેલ માટે મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ મામલે ભારત પોતાના તરફથી કોઈ પગલું નહીં ભરશે.
એક જર્મન અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, ફેબ્રુઆરી 2022માં રશિયા-યુક્રેન વિવાદ વચ્ચે મધ્ય પૂર્વમાં ભારતના ઉર્જા સપ્લાયરોએ પેટ્રોલિયમ ઉત્પાદનોના સપ્લાય માટે યુરોપને પ્રાથમિકતા આપી છે. યુરોપે આ ઉત્પાદનો માટે વધુ ચૂકવણી કરી છે. આવી સ્થિતિમાં ભારત પાસે રશિયન ક્રૂડ ઓઈલ ખરીદવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.
જયશંકરે કહ્યું કે, ભારતે રશિયા સાથે પોતાના આર્થિક સંબંધોનો વિસ્તાર કર્યો છે. તેમણે કહ્યું કે, રશિયાએ ક્યારેય ભારતના હિતોનું ઉલ્લંઘન નથી કર્યું અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો સ્થિર અને મૈત્રીપૂર્ણ છે. તેમણે આગળ કહ્યું કે, બીજી તરફ ચીન સાથે રાજનીતિક અને સૈન્ય સંબંધો કંઈ ખાસ નથી.
જયશંકરે આગળ કહ્યું કે, ભારત રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, તમામ લોકો આ સંઘર્ષથી પરેશાન છે. મને નથી ખબર કે તેને કેવી રીતે સમાપ્ત કરવું. યુક્રેનમાં રશિયન સૈન્યના હસ્તક્ષેપ છતાં રશિયા સાથે સૈન્ય સંબંધો પર સવાલ કરતા જયશંકરે કહ્યું કે, ઈતિહાસ પર નજર કરીએ તો રશિયાએ ક્યારેય અમારા હિતોને નુકસાન નથી પહોંચાડ્યું. યુરોપ, અમેરિકા, ચીન કે જાપાન સાથે રશિયાના સંબંધોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે.
જયશંકરે ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઈલની ખરીદીને પણ યોગ્ય ઠેરવ્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે યુક્રેનમાં લડાઈ શરૂ થઈ ત્યારે યુરોપે તેની ઉર્જા ખરીદીનો મોટો હિસ્સો મધ્ય પૂર્વમાં શિફ્ટ કરી દીધો હતો ત્યાં સુધી તે ભારત અને અન્ય દેશો માટે મુખ્ય સપ્લાયર હતો. આ બાબતે અમે શું કરી શકતા હતા? મધ્યપૂર્વે યુરોપને પ્રાથમિકતા આપી હતી. યુરોપે તેમને વધુ ચૂકવણી કરી. તેમણે આગળ કહ્યું કે તે સમયે કાં તો અમારી પાસે કોઈ ઊર્જા ન હોત કારણ કે બધું તેની પાસે ચાલ્યુ ગયું હોત. અથવા અમારે ખૂબ વધારે ચૂકવણી કરવી પડત કારણ કે યુરોપ વધુ ચૂકવણી કરી રહ્યું હતું.