મહિલા મતદારોના ઘેર આમંત્રણ પત્ર પાઠવવા સહિત મહિલાઓ અચૂક મતદાન કરે તે માટેના ઉપાયો કરાશે
ગાંધીનગર
ગુજરાતમાં 13 હજાર મતદાન મથકોમાં મહિલાઓએ ઓછું મતદાન કર્યું છે, જ્યારે વડોદરા જિલ્લાના ત્રીસ ગામોના 161 મતદાન મથકોમાં મહિલાઓએ ઘણું ઓછું મતદાન કર્યું હોવાનું સામે આવ્યું છે. જેને ધ્યાનમાં રાખી રાજ્ય ચૂંટણી પંચે મહિલાઓનું મતદાન વધે તે માટેના પ્રયત્નો કરવા જિલ્લા ચૂંટણી અધિકારીને સુચના આપી છે જે આધારે મહિલાઓનું ઓછું મતદાન જે મતદાન મથકોમાં થયું હોય તે વિસ્તારમાં વધુ મતદાન કરવા લોકજાગૃતિ અભિયાનના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજવાનું શરૂ કર્યું છે.
સ્વસ્થ લોકશાહી માટે અધિકાર ધરાવતા તમામ મત આપે એ માત્ર જરૂરી નહીં અનિવાર્ય છે. એટલે જ ચૂંટણી પંચે પુરુષ અને મહિલા મતદાનની ટકાવારી વચ્ચેનો ગેપ શક્ય તેટલો ટાળવા પર ભાર મૂક્યો છે. આ વખતે ચૂંટણી પંચ દ્વારા તેના માટે જિલ્લા વિકાસ અધિકારી અને કોર્પોરેશન કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓને મતદાન ટકાવારી અમલીકરણ આયોજન અધિકારીની જવાબદારી સોંપવામાં આવી છે. આ અધિકારીઓએ ભૂતકાળની ચૂંટણીઓમાં જે મતદાન મથકો ખાતે અને જે ગામોમાં પુરુષ કરતા મહિલા મતદારોનું મતદાન ઓછું થયું હોય અને ટકાવારીનો ભેદ 10 ટકા કે તેથી વધુ રહ્યો હોય ત્યાં લોક જાગૃતિ કાર્યક્રમો યોજી મહિલા મતદાનની ટકાવારી વધારવા પર ભાર મૂક્યો છે.
રાજ્યના મુખ્ય ચૂટણી અધિકારીની કચેરીની માહિતી અનુસાર, 13 હજાર મતદાન મથકોએ મહિલા મતદારોએ પુરુષો કરતા ઓછું મતદાન કર્યું હતું. આવા મતદાન મથકો ખાતે નોંધાયેલા મહિલા મતદારોના ઘેર મતદાન આમંત્રણ પત્ર પાઠવવા સહિત મહિલાઓ અચૂક મતદાન કરે તે માટેના ઉપાયો પ્રયોજવામાં આવશે. ખાસ કરીને તેમના પરિવારોને સહ પરિવાર મતદાન કરવા પ્રેરિત કરવામાં આવશે. આ સંદર્ભમાં વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા મહિલા મતદાન વધારવા કરવામાં આવેલું સઘન આયોજન ધ્યાન ખેંચનારૂ છે. અહીં 30 ગામોના 161 મતદાન મથકો એવા છે જેમાં મહિલાઓનું મતદાન ઓછું છે. આ ગામો અને મતદાન મથકોના વિસ્તારોમાં મહિલાઓ મતદાન કરોની પ્રેરણા આપતાં નુક્કડ નાટકો ભજવવામાં આવશે.
એમ.એસ. યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ, થિએટર અને ફિલ્મ સંસ્થાઓના કલાકારોની મદદથી આ નાટકો તૈયાર કરવામાં અને ભજવવામાં આવશે. જાગૃતિના પ્રસારમાં નાટક અને કલા માધ્યમોની અસરકારકતા જાણીતી છે એટલે આવા પ્રયોગોથી મહિલા મતદાન વધશે એવી તંત્રને અપેક્ષા છે. પરિવારનો પાયો પુરુષ અને મહિલા છે. લોકશાહી એ બંનેને મતનો અધિકાર આપ્યો છે. ત્યારે પુરુષો પોતે મતદાન અવશ્ય કરે અને ઘરની મહિલાઓને મતદાન કરવા સાથે લઈ જાય, ઘરના તમામ સદસ્યો અચૂક મતદાન કરે એ સુનિશ્ચિત કરે તે ઈચ્છનીય છે. લોકશાહી પુરુષ મત, મહિલા મત કે અન્યનો મત એવો ભેદ નથી કરતી. ત્યારે મહિલાઓએ મતદાન અવશ્ય કરવું જોઈએ. મતદાન ન કરવાનું, કોઈનું પણ, એકપણ બહાનું લોકશાહીમાં ચલાવી ના લેવાય. સંસદીય ચૂંટણીઓમાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનો કાયદો અમલી બની ગયો છે. ત્યારે માતાઓ, બહેનોએ અચૂક મતદાન કરવું જોઈએ તેવી અપીલ કરવામાં આવી છે.