તરસાલી વિસ્તારમાં યોજવામાં આવેલી ગ્રુપ મીટીંગમાં સંખ્યા નહીં થતા ભાજપ ઉમેદવારનો કાર્યક્રમ રદ કરાયો
વડોદરા
લોકસભાની વડોદરા બેઠકના ભાજપના ઉમેદવારના પ્રચાર દરમિયાન કાર્યકર્તાઓની જૂથબંધી વોર્ડ કક્ષાએ પણ બહાર આવી રહી છે ત્યારે ગઈકાલે તરસાલી વિસ્તારમાં યોજવામાં આવેલી ગ્રુપ મીટીંગમાં સંખ્યા નહીં થતા ભાજપ ઉમેદવારનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.
લોકસભાની વડોદરા બેઠકના ઉમેદવાર હેમાંગ જોશીના ફેરણી અને લોક સંપર્ક સભા નો રોજબરોજનો કાર્યક્રમ દ્વારા જાહેર કરવામાં આવે છે તે મુજબ તારીખ 12મીના કાર્યક્રમમાં રાત્રે 9:30 વાગ્યાના સમયે તરસાલી વિજયનગર મહાકાળી મંદિર પાસે ગ્રુપ મીટીંગ રાખવાનું નક્કી થયું હતું તે મુજબ વોર્ડ કક્ષાએ તમામ તૈયારી કરવામાં આવી હતી પરંતુ રાત્રે 9:00 વાગે લોકો અને કાર્યકર્તાઓ ની સંખ્યા પૂરતી નહીં થવાને કારણે આ ગ્રુપ મીટીંગ મુલતવી કરી દીધી હતી જેની પાછળ વોર્ડ કક્ષાના કાર્યકર્તાઓમાં ચાલતી જૂથબંધી જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.
અત્રે યાદ આપવું જરૂરી છે કે, વોર્ડ નંબર 16 માં મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આમંત્રણ પત્રિકામાં કોર્પોરેટરોની બાદબાકી થતા વિવાદ સર્જાયો હતો તદુપરાંત ગઈકાલે સવારે ફેરણીમાં ઉમેદવાર પોતે જ એક કલાક મોડા આવતા વિધાનસભાના દંડક અને અન્ય આગેવાનોને રાહત જોઈને બેસી રહેવું પડ્યું હતું જેથી કાર્યકર્તાઓમાં ઉમેદવાર માટે રોષ વ્યાપ્યો હતો.