વડોદરાના માંજલપુરમાં લોકોએ સ્થાનિક ઉમેદવાર સામે વિરોધ ન હોવા છતાં રુપાલા સામે આક્રોશ વ્યક્ત કર્યો
વડોદરા
વાણીવિલાસ ક્યારેક ખૂબ ભારે પડે છે. મહાભારતનું એક કારણ કૌરવો માટે બોલાયેલું એક અવળ વાક્ય હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના એક નિવેદનથી સર્જાયેલું મહાભારત એનું બોધ લેવો પડે એવું ઉદાહરણ બની ગયું છે. ક્ષત્રિય સમાજના હૃદય પર ઘા કરેલા એ નિવેદનની આગ શમવાને બદલે વકરતી જાય છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ક્ષત્રિય સમાજ દ્વારા નિવેદનને લઈને તેમનો અણધાર્યો અને આકરો વિરોધ થઈ રહ્યો છે.
વડોદરા શહેરનો માંજલપુર વિસ્તાર આમ તો ભાજપનો ગઢ છે. પરંતુ રૂપાલાના વિરોધની આગ ત્યાં પણ પ્રસરી છે. અગાઉ આ વિસ્તારના એક નગર સેવકનું વિરોધ કરતું નિવેદન ટીકાને પાત્ર બન્યું હતું અને એમણે દોષનો ટોપલો પોતાની સોશિયલ મીડિયા ટીમ પર ઢોળતા સોશિયલ મીડિયા પોસ્ટને ડિલીટ કરી હતી. હવે ગઈકાલે પીઢ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલના મત વિસ્તારમાં પ્રવેશબંધીના બોર્ડ લાગ્યા હતા. ક્ષત્રિય સમાજના યુવાનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વિરોધ રૂપાલાથી આગળ વધીને પક્ષના કાર્યકરોએ આ વિસ્તારમાં ચુંટણી પ્રચાર માટે આવવું નહિ એ હદે પહોંચ્યો હતો. આ પ્રવેશબંધીનું બેનર નથી ટ્રેલર છે એવા શબ્દો સાથે જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજે જ્યારે તમામ સમાજની બેન દીકરીઓની અસ્મિતાના રક્ષણ માટે પરિણામની ચિંતા કર્યા વગર શસ્ત્ર ઉઠાવ્યા હોય ત્યારે સમાજની પોતાની બેન, દીકરીઓ, મતાઓનું અપમાન કદાપિ સહન ન કરે. યુવાનોએ જણાવ્યું કે દેશની રક્ષા, સમાજની સુરક્ષા અને માતૃ શક્તિની રક્ષા માટે શહીદી વહોરવી પડે તો પાછીપાની ન કરવી એ ક્ષત્રિય સમાજનો સ્વભાવ છે. તેમનું નિવેદન સમાજ માટે અસહ્ય છે. આ બેનર નથી ચીમકી છે, શાનમાં સમજોની ચેતવણી છે.
આ લોકોએ લલકાર કર્યો હતો કે તાકાત હોય તો માંજલપુરમાં પ્રવેશ કરી જોજો. જો કે એમણે જણાવ્યું કે, ભાજપ સામે કે વડોદરાના ઉમેદવાર ડૉ.હેમાંગ જોશી સામે અમારો કોઈ વિરોધ નથી. પરંતુ ભાજપે રૂપાલાને નહિ બદલવાની જે જીદ પકડી છે એ સમાજ માટે ધમકી સમાન છે. ક્ષત્રિય સમાજ ક્યારેય ધમકીઓથી ડર્યો અને નમ્યો નથી. આ કિસ્સામાં પણ નમતું જોખવામાં નહિ આવે. તેમણે નિવેદન દ્વારા માત્ર ક્ષત્રિય સમાજ નહિ પરંતુ તમામ સમાજની માતૃ શક્તિનું અપમાન કર્યું છે. મળતી માહિતી પ્રમાણે, પોલીસ તંત્ર આ ખબર મળતા સક્રિય થયું હતું અને યુવકોને અટકાયતમાં લઈને બેનરો ઉતરાવી લીધા હતા.