રૂપાલાની ઉમેદવારી રદ ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, સમર્થનની વાત અર્ધસત્ય હોવાનો કાઠી નેતાનો દાવો
રાજકોટ
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરાયેલા વિવાદાસ્પદ નિવેદન બાદથી ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે. ત્યારે શુક્રવારે રાજકોટમાં અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને ટેકો જાહેર કર્યો હતો. તો આજે કાઠી ક્ષત્રિય સમાજના અન્ય આગેવાનો દ્વારા પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, ‘ગઈકાલે જે વાત રજૂ કરવામાં આવી તે અર્ધસત્ય છે.’
રાજકોટમાં આજે (શનિવાર) કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ પત્રકાર પરિષદમાં યોજી હતી. જેમાં કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન પ્રતાપ ખુમાણે જણાવ્યું હતું કે, ‘અમારો ભાજપ સાથે કોઈ વિરોધ નથી. અમે કહીએ છીએ કે ખાલી કમળ ઉભું રાખશો તો પણ જીતાડવાની અમારી જવાબદારી છે. અહીં વ્યક્તિનો પણ વિરોધ નથી. અમે મર્યાદા જાળવી રાખી છે, આ સમાજ હંમેશા ભાજપ સાથે છે. પણ ક્યા સુધી? કોઇ એક વ્યક્તિ સમાજનો ઠેકો ના લઈ શકે. તમારી અંદર રહેલું હોય તે બહાર આવે તેને સ્લીપ ઓફ ટંગ ના કહી શકાય. તેની માફી ક્યારેય ના હોય શકે. મહિલાનું સન્માન દરેક જ્ઞાતિ માટે મહત્ત્વનું છે. સહન શક્તિની એક મર્યાદા હોય હવે દાવાનળ બહાર આવી રહ્યો છે. અત્યાર સુધી ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે. આ મુદ્દામાં માત્ર એક વ્યક્તિની ઉમેદવારી બદલવાની વાત છે. જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.’
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટમાં અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજે ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદમાં કાઠી સમાજના અગ્રણી દ્વારા જણાવાયું છે કે, ‘આજે અમારી કોર કમિટીની મિટિંગ મળી હતી. કાઠી ક્ષત્રિય સમાજ મળીને ભાજપ અને વડાપ્રધાન મોદીને સમર્થન આપે છે એ બદલ કાઠી સમાજ અને તમામનો આભાર માનું છું. અમારું ભાજપને પુરેપુરુ સમર્થન જ છે. 14 તારીખના કાર્યક્રમમાં કાઠી ક્ષત્રિય સમાજ ભાગ નહીં લે અને આગામી દિવસોમાં અમે આંદોલનમાં પણ નહીં જોડાઈએ. અમે ભાજપને તન મન અને ધનથી ટેકો આપીશું. રામ અમારા ઈષ્ટદેવ છે અને ભાજપે રામ મંદિર બનાવ્યું છે.’