હું બહાર આવીશ ત્યારે ઘણું બધુ બહાર આવશે, અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે ચોક્કસપણે ન્યાય થશે, પોલીસે મુકેલા પુરાવા સામે અમે પણ મજબૂત પુરાવા મુક્યા હોવાનો દાવો
ભાવનગર
ગુજરાતમાં બહુચર્ચિત તોડકાંડના આરોપી યુવરાજસિંહને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહ આ કેસમાં જેલમાં છે બાકીના પાંચ શખ્સોને જામીન મળી ગયાં છે. હવે યુવરાજસિંહની જામીન અરજીની સુનાવણી સોમવારે હાથ ધરાશે. યુવરાજસિંહે મીડિયાને કહ્યું હતું કે, સત્ય પરેશાન થઈ શકે છે પરાજિત નહીં, આ તો ફક્ત ટ્રેલર છે પિક્ચર હજી બાકી છે. હું બહાર આવીશ ત્યારે ઘણું બધુ બહાર આવશે.અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે ચોક્કસપણે ન્યાય થશે, પોલીસે મુકેલા પુરાવા સામે અમે પણ મજબૂત પુરાવા મુક્યા છે. અમારી પાસે પણ ઘણું બધું છે જે આવતા દિવસોમાં બહાર આવશે. આર્થિક લેતી દેતીમાં મારી હજુ પણ કોઈ પણ જગ્યાએ સંડોવણી નથી.
ભાવનગરમાં ડમીકાંડ બાદ તોડકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ મથકમાં યુવરાજસિંહ સહિત છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા તમામ શખ્સોની ધરપકડ કરાઈ હતી અને કોર્ટમાં ચાર્જશીટ પણ રજુ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તોડકાંડ કેસ બોર્ડ પર આવી જતા પ્રથમ મુદ્તે યુવરાજસિંહ જાડેજા સહિત છ શખ્સોને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટમાં પ્રથમ મુદત પૂર્ણ થતા યુવરાજસિંહને જેલમાં મોકલી દેવામાં આવ્યાં હતા.
ડમીકાંડ મામલે ભાવનગર પોલીસ દ્વારા યુવરાજસિંહને સમન્સ પાઠવી 21 એપ્રિલે પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા. યુવરાજસિંહની સતત 8 કલાક સુધી મેરેથોન પૂછપરછ ચાલી હતી. પૂછપરછ બાદ ભાવનગર પોલીસે ખુદ ફરિયાદી બની યુવરાજસિંહ જાડેજા, શિવુભા, કાનભા, ઘનશ્યામભાઈ, બિપીન ત્રિવેદી અને રાજુ નામના વ્યકિત સામે ગુનો નોંધ્યો હતો.પોલીસે તમામની ધરપકડ કર્યા બાદ જેલ હવાલે કર્યા હતા. જેમાંથી 5 લોકોનો જામીન પર છૂટકારો થયો છે. જ્યારે તોડકાંડમાં એક માત્ર યુવરાજસિંહ હાલ જેલમાં છે.